Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમદાવાદમાં પધરામણી : ૨૫ એપ્રિલે સુરતમાં ૪૦૦મી દીક્ષા આપી 'વિશ્વ વિક્રમી' દીક્ષાદાતા બનશે

દીક્ષા દાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ. સા. તથા આચાર્ય શ્રી રશ્મિરત્નસુરીજીની

રાજકોટ, તા. ૨૨ : જીરાવલા તીર્થોદ્ધારક, માર્ગદર્શક, પ્રતિષ્ઠાચાર્ય દીક્ષા દાનેશ્વરી આચાર્ય શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ. સા. તથા આચાર્ય વિજય રશ્મિરત્નસુરીશ્વરજી મ. સા. સુરીપ્રેમની દીક્ષાભૂમિ શ્રી સિદ્ધાચલ મહાતીર્થની વિરાટ છ'રીપાલક સંઘો સાથે સ્પર્શતા કરી મેવાડ ભવનમાં ઐતિહાસિક ''અંજનશલાકા'' પ્રતિષ્ઠા દીક્ષા મહોત્સવ પૂર્ણ કરી તા.૧૮ ફેબ્રુઆરીએ અમદાવાદ પધારી ગયા છે. સાથે પૂરા વિશ્વમાં જેમની દીક્ષાએ ડંકો વગાડ્યો એવા મુનિરાજ શ્રી ભવ્યરત્ન વિજયજી (સંસારી નામ ભંવર લાલજી દોશી) પણ પધારી રહ્યા છે. તા.૨૫ ફેબ્રુઆરીના શાહીબાગ ગીરધરનગરમાં મુમુક્ષુ જયંતિલાલ નાણાવાળાને દીક્ષા આપી ૪૦૦ દીક્ષાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા સુરત તરફ પ્રયાણ કરશે.

આજીવન ચરણોપાસક આચાર્યશ્રી રશ્મિરત્નસુરીજીએ કહ્યુ કે આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વર્તમાનકાળમાં તેઓ એકમાત્ર જૈનાચાર્ય છે. તેમણે પોતાના જીવનમાં પહેલી દીક્ષા ૪૩ વર્ષ પૂર્વે પીંડવાડામાં આપી, ૧૦૦મી દીક્ષા મહુઆમાં આપી, ૧૦૮મી દીક્ષા ઈડરમાં આપી, ૨૦૦મી દીક્ષા શંખેશ્વરમાં આપી. ૩૦૦મી દીક્ષા સુરતમાં આપી, હવે ૨ મહિના પછી ૨૫ એપ્રિલે સુરતમાં એક સાથે ૬ દીક્ષા આપી વર્તમાનકાળમાં ૪૦૦ દીક્ષા પૂર્ણ કરનાર પ્રથમ જૈનાચાર્ય બનશે અને વિશ્વ વિક્રમી ''દીક્ષા દાનેશ્વરી'' કહેવાશે. ૪૩ વર્ષમાં દીક્ષાની ૪ સદીની આ અનોખી સિદ્ધિ તેઓ પોતાના પરમોકારી સિદ્ધાંત મહોદષી શ્રી પ્રેમસુરીશ્વરજી મ. સા.ના ચરણે અર્પણ કરશે. તેમ નવીન શાહે જણાવ્યુ છે.

(3:57 pm IST)