Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાઍ ફરીવાર વરઘોડો કાઢ્યોઃ માસ્ક-સોશ્યલ ડિસ્ન્ટન્સનું ઉલ્લંઘન

બનાસકાંઠા: ભાજપના નેતાઓ પક્ષના મોવડીઓને ગાંઠતા નથી કે, પછી તેઓને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. નેતાઓ જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે તે જોતા તેમને કોઈ ડર રહ્યો નથી તેવુ લાગે છે. કોરોનાકાળમાં એકવાર ભીડ કરીને ચર્ચામાં આવનાર ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરીવાર વરઘોડો કાઢ્યો છે. રોડના ખાતમુહૂર્ત સમેય તેમણે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે ધારાસભ્યની આ હિંમત પર અનેક સવાલો ઉભા થયા કે, શું તેમને કંઈ પણ કરવાનો છૂટો દોર મળ્યો છે.

ડીસાના ઢુવા ગામે ગઈકાલે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરી કોરોનાનો વરઘોડો કાઢ્યો હતો. રોડના ખાતમુહૂર્ત વખતે ડીજે સાથે વરઘોડો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ અગાઉ પણ રોડના ખાતમુહૂર્ત વખતે ગાયિકા કિંજલ દવે સાથે વરઘોડો કાઢ્યો હતો. જેની ચર્ચા ચારેબાજુ થઈ હતી. ત્યારે આજે તેમણે ફરીથી વરઘોડો કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત વધી રહેલા નેતાઓના આવા કિસ્સાઓને કારણે લાગે છે કે નિયમો માત્ર પ્રજા માટે જ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો જોઈને અમદાવાદ, સુરત સહિત રાજ્યભરના સામાન્ય નાગરિકો કોરોનાના નામે ફોજદારી ગુનો, જેલ અને દંડ વસૂલનો ડર દેખાડતી પોલીસ ભાજપના ધારાસભ્યોના ખિસ્સામાં હોય તેવી ટીકા કરી રહ્યા છે.

કોરોના વેક્સીન આવી ગઈ છે, અને કોરોનાના કેસ ઓછા થતા છે એનો મતલબ એ નથી કે નેતાઓને છૂટથી ટોળા ભેગા કરવાનું લાઈસન્સ મળી જાય. કોરોના હજી ગયો નથી એ વાત સરકારે સમજવી પડશે, અને નેતાઓ પર લગામ રાખવી પડશે.

(4:32 pm IST)