Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ખુલ્લા મેદાનમાં મંડપ નાંખીને કોઇ કાર્યક્રમ યોજવામાં આવે તો કોઇ લિમિટ લાગુ નથી

ખુલ્લામાં કાર્યક્રમ થાય તો કોરોનાના નિયમોનો ભંગ નથી

અમદાવાદ, તા.૨૨: રાજય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને ભૂમાફિયા, લાંચિયા, ટપોરી જેવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. આજે રાજયના સીએમ વિજય રૂપાણી અને ACBના વડા કેશવકુમારે એક સંયુકત પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. રાજય સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં સીએમ રૂપાણીને લગ્નમાં મહેમાનોને બોલાવવા મુદ્દે એક સવાલ કરાયો હતો. જેમાં તેમણે એક મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ૧૦૦ લોકોને મંજૂરી છે. અન્ય ફંકશનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૨૦૦ લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી. આ સાથે જ એવું કહી શકાય કે રાજયના લોકો જો ખુલ્લામાં મંડપ નાંખીને કોઈ પણ કાર્યક્રમ કરે તો તેમાં કોઈ મર્યાદા નહીં નડે.

સીએમ રૂપાણીએ કોરોના નિયમોને ભંગ કયારે કહેવાય તે વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય, માસ્ક ન પહેર્યું હોય તો ગાઇડ લાઇનનો ભંગ કહેવાય. આપણે માસ્ક માટે દંડ લઈએ છીએ. બીજો કોઈ દંડ લેતા નથી.

(3:59 pm IST)