Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજયપાલ આચાર્ય દેવવ્રત નેતૃત્વ કરશે : શાળા-કોલેજના વિદ્યાર્થી અને ૧૮થી ૩૦ની વય જૂથના નાગરિકો માટે જુદા જુદા યુવા મતદાર મહોત્સવ યોજાશે

અમદાવાદ,તા.૨૨ : રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આગામી તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર  ખાતે રાજ્યકક્ષાના ૧૦માં 'રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૦'ની ઉજવણી કરવામાં આવશે. આ સાથે ગુજરાતના તમામ મતદાન મથકો, તાલુકા તથા જિલ્લા મથકોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે માટે ચૂંટણી પંચ દ્વારા આ વર્ષે 'મજબૂત લોકશાહી માટે મતદાર સાક્ષરતા થીમ નક્કી કરાઇ છે. મેડિકલ કોલેજ ઓડિટોરીયમ, સિવિલ હોસ્પીટલ કેમ્પસ, સેક્ટર-૧૨ ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના મતદાતા દિવસની ઊજવણી કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયામાં સાતત્યપૂર્ણ, નિષ્ઠાપૂર્વક અને સમર્પિત૫ણે કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ, બુથ લેવલ ઓફિસર વગેરે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી, કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ઉપસ્થિત સૌને નિર્ભયતાપૂર્વક તેમજ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરવા અંગેના શ૫થ લેવડાવવામાં આવશે.

           આ ઊજવણીના ભાગરૂપે રાજયની માઘ્યમિક, ઉચ્ચતરર માઘ્યમિક શાળાઓ તથા ઉચ્ચણ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ૧૮ થી ૩૦ વર્ષની વયજૂથના નાગરિકો એમ બે અલગ-અલગ કેટેગરીમાં 'યુવા મતદાર મહોત્સવ'નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પોસ્ટર/મેસ્કોટ મેકીંગ અને જીંગલ્સ માટેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના વિજેતાઓને આ દિવસે રાજયકક્ષાના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'  કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.ર૫મી જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચનો સ્થાપના   દિન છે. વર્ષ ર૦૧૧થી તા.ર૫ મી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં વધુને વધુ નાગરિકો ભાગીદાર થાય, મતદારોની નોંધણીમાં વધારો થાય, પુખ્તવય મતાધિકાર વાસ્તવિકતા બને અને ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની અસરકારક ભાગીદારીતા, મતદારોમાં જાગૃતિ કેળવાય અને એ રીતે લોકશાહીની ગુણવત્તામાં વધારો થાય તેવા ઉદ્દેશથી આગામી તા. ૨૫-૦૧-૨૦૨૦ના રોજ ૧૦મો 'રાર્ષ્ટ્રીય મતદાતા દિવસ' ઉજવવામાં આવનાર છે. 

           ચૂંટણી પંચે ''કોઇ૫ણ મતદાર રહી ન જાયના ઉદેશ્યના અસરકારક અમલીકરણ માટે ભવિષ્યના મતદારો, નવા મતદારો, ઔપચારિક શિક્ષણ ન  મેળવતા યુવા મતદારો તથા સરકારી કચેરીઓમાં કામ કરતાં કર્મચારી/અધિકારીઓની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતાને મજબૂત કરવા માટે મતદાર સાક્ષરતા ક્લબનો એક નૂતન અને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં ભાવિ, યુવા અને શિક્ષણથી વંચિત સમાજના યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવશે તેમ પણ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

(9:49 pm IST)