Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિદેશ અભ્યાસ માટેની અરજીનો ટુંકમાં નિકાલ

લોભામણી વાતોથી ચેતવા અપીલ

અમદાવાદ,તા.૨૨ : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન આપવાની પ્રક્રિયા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચાલી રહી છે. આ સમયે નિગમના ધ્યાને એક ગંભીર બાબત આવી છે કે, નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરીને નિર્દોષ નાગરિકો પાસેથી નાણાંકીય લેવડ-દેવડ કરવામાં આવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઇને કોઇ નિર્દોષ નાગરિક આવી કોઇ લોભામણી વાતોમાં દોરાઇને તેનો ભોગ ન બને તે હેતુસર આવા લોકોથી બચવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

          ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના અધ્યક્ષ બીએચ ઘોડાસરાએ જણાવ્યું છે કે શૈક્ષણિક લોન, સ્નાતક પછી વિદેશ અભ્યાસ લોન તેમજ સ્વરોજગાર બાબતની લોન માટે ઓનલાઇન અરજી કરનાર લાભાર્થી અરજદારોને નિયત ધારાધોરણ પ્રમાણે જરૂરી કાર્યવાહી કરી નિગમ દ્વારા લોન મંજૂર કરવામાં આવે છે. કેટલાક લોકો લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતા હોવાની બાબત ધ્યાને આવતા આવા લોકોથી નાગરિકો ચેતે, કોઇ વ્યક્તિઓને આવી વાતોમાં આવવુ નહી તેમ તેમણે ઉમેર્યુ હતું. લોન સંબંધિત કોઇપણ કામ કે પ્રત્યુત્તર માટે નાગરિકોએ મેનેજિંગ ડાયરેક્ટર, ડાયરેક્ટરઓ તેમજ અધ્યક્ષનો કર્મયોગી ભવન, બ્લોક નં.ર, ૭મો માળ, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીનો સંપર્ક કરવો.

(9:47 pm IST)