Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

નર્મદા જિલ્લામાં માતા અને બાળ મરણનો આંકડો અન્ય જીલ્લાઓ કરતા વધતા ડીડીઓ લાલઘુમ

માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ આવ્યો હોવાનું ખુદ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ લેખિત પરિપત્ર દ્વારા જણાવ્યું:ચાલુ વર્ષે માતા મરણ 10 અને બાળ મરણ 350 થયા હોવાનું કબલ્યુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુવિધા પાછળ વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, એ રૂપિયા જે તે જિલ્લામાં આવે પણ છે પરંતુ જિલ્લાના અધિકારીઓ જોઈએ એવું અસરકારક પરિણામ સરકારને આપી નથી શકતા.આના ઘણા બધા કારણો હોઈ શકે,એક કારણ એ કે સરકારી અધિકારીઓ પર જરૂરિયાત કરતા કામનું ભારણ હોવું અથવા અધિકારીઓ સરકારી યોજનાનો અમલ થયો હોવાનું ફક્ત કાગળ પર બતાવી યોજનાના નાણાં ચાંઉ કરી જતા હોય એવા સંજોગોમાં અસરકારક પરિણામ મળી શકે નહી.
  નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ આવ્યો હોવાનું ખુદ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ લેખિત પરિપત્ર કરી કબુલ્યું છે.હવે નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ પર કાબુ મેળવવા સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.

  નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરાયો છે, જેને લીધે આ જિલ્લામાં ફરજ બજાવતા તબીબોને અન્ય જિલ્લાના તબીબો કરતા મહેનતાણું પણ સરકાર વધુ આપે છે સાથે સાથે જિલ્લામાં પેહલા આરોગ્ય સ્ટાફ પણ ઓછો હતો જ્યારે અત્યારે એ પણ પૂરતો છે. તો કયા કારણોસર માતા મરણ અને બાળ મરણ પર તબીબી અધિકારીઓ કાબુ ન મેળવી શક્યા એ ચિંતાનો વિષય બન્યો છે.

 હાલ તો નર્મદા જિલ્લા એક આરોગ્ય અધિકારીના તુમાખી ભર્યા વલણને લીધે જિલ્લાનો આરોગ્ય સ્ટાફ અને તબીબો કંટાળી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ નર્મદા જિલ્લાના એક પણ અધિકારીઓ માતા મરણ અને બાળ મરણ અન્ય જિલ્લા કરતા વધુ હોવાનું કબુલ્યું ન હતું.જોકે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માતા મરણ 10 અને બાળ મરણ 350 થયા છે.

  નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ સાથે એક બેઠક કરી હતી. એ બેઠકમાં નર્મદા જિલ્લામાં માતામરણ અને બાળમરણ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ હોવા મામલે જિલ્લા વિકાસ અધિકારી લાલઘૂમ થયા હતા દરમિયાન એમણે તબીબી અધિકારીઓનો ઉધડો લીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે

 નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.એમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘણું વધારે છે, જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબત ઘણી ગંભીરતાથી લીધી છે.

  નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા કરાર આધારિત આરોગ્ય કર્મીઓ સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાથી અપ ડાઉન કરતા હોવાથી તેઓ સમયસર ફરજ પર હાજર થતા નથી તથા પૂરતો સમય ફરજ બજાવતા નથી.જેથી નર્મદા જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરી પર ગંભીર અસર પડી છે. 26/1/2020 સુધી નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ હેડ ક્વાર્ટર પર રહેવાની સગવડ કરવી પડશે અને જો હેડક્વાર્ટર પર સગવડ ન હોય તો નજીકના વિસ્તારમાં ભાડે રહેવાની પણ સગવડ કરવી પડશે.એ બાદ જિલ્લા કક્ષાએથી આકસ્મિક ચેકીંગ હાથ ધરાશે, એ દરમિયાન જો સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી અથવા યોગ્ય કારણ વિના કોઈ અધિકારી અથવા કર્મચારી હેડક્વાર્ટર પર ગેરહાજર જણાશે તો એમની પર શિક્ષાત્મક પગલાં ભરાશે.
આરોગ્ય અધિકારીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના અપાઈ છે:જીન્સી વિલીયમ્સ, નર્મદા જિલ્લા વિકાસ અધિકારી
  નર્મદા જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ્સ જણાવ્યું કે માતા મરણ-બાળ મરણના રેસિયા બાબતે કહી ન શકું પણ ગત વર્ષ કરતા ઘટ્યો છે.એસ્પીરેશનલ જિલ્લો છે, અમુક વિસ્તારમાં પ્રોબ્લેમ તો છે જ.અપ ડાઉન કરતા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના ટેકો મિટિંગમાં અપાઈ છે.
અંતરિયાળ વિસ્તારમાં એવું રહેવાનું જ :ડો. કે.પી.પટેલ, નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી
નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે માતા મરણ-બાળ મરણનો રેસિયો વધારે નથી. ટ્રાયબલ અંતરિયાળ વિસ્તાર હોય એટલે એવું થોડું તો રહેવાનું જ.3-4 વર્ષમાં એ રેસિયો ઘટ્યો છે.
નર્મદા જિલ્લામાં માતા મરણ-બાળ મરણ અટકાવવા સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા
ગુજરાત સરકારે નર્મદા જિલ્લામાં માતા મરણ-બાળ મરણ અટકાવવા જનની સુરક્ષા યોજના માટે 2,951, 900 રૂપિયા, બાલ સખા યોજના માટે 97,4000 રૂપિયા, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ 3166996 રૂપિયા, ચિરંજીવી યોજના હેઠળ 254600 રૂપિયા તથા કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ 14144000 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

(8:17 pm IST)