Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વડાલીમાં પાલિકાદ્વારા રોડની સફાઈ 10 વાગ્યાની આસપાસ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો

વડાલી:નગર પાલીકા દ્વારા રોડની સફાઈ સવાર દસ વાગ્યાની આસપાસ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્વીપર મશીનથી કરાતી સફાઈની કામગીરી અટકાવી હતી અને સ્વીપર મશીન દ્વારા વહેલી સવારે સફાઈ કરવાની માંગણી ઉઠી છે.

વડાલીના હાઈવે ઉપર પડી રહેલી ધૂળને સાફ કરવા માટે નગરપાલિકા દ્વારા આજથી બે વર્ષ અગાઉ સ્વીપર મશીન લાવવામાં આવેલું છે. પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા મશીન મોટેભાગે સવારના સમયે રોડ ઉપર લાવી ધૂળ સાફ કરવાનું કામકાજ હાથ ધરવામાં આવે છે જેને લઈ રોડની બન્ને સાઈડે સવારે દુકાનો સાફ કરીને બેઠેલા દુકાનદારો તેમજ ફેરિયાઓ લારી વાળાઓ દ્વારા આજે રોડ સાફ કરવા બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ આ મશીન દ્વારા સવારે રોડની સફાઈ કરવામાં આવે છે જેને લઈ રોડ ઉપરની ધૂળ દુકાન આગળ ઉડે છે. વધુમાં મશીન દ્વારા ભેગી કરેલી ધૂળનો એકબાજુ ઢગલો કરી દેવામાં આવે છે અને આ ઢગલો કરેલી ધૂળ ઉપાડવામાં આવતી નથી. વેપારીઓએ આજે વડાલી બસ સ્ટેશન ઉપર આ ધૂળ સાફ કરવા બાબતે વિરોધ દર્શાવતા સ્વીપર મશીન બંધ કરવું પડયું હતું. વેપારીઓના જણાવ્યા મુજબ વહેલી સવારે બજાર શરૂ થાય તે પહેલા તેમજ રાત્રીના સમયે સાફ કરવાનું કામકાજ હાથ ધરવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

(5:21 pm IST)