Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સોરી મમ્મી-પપ્‍પા.... પણ હું હવે મારી જિંદગીથી હારી ગયો છું એવુ લાગે છેઃ આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્‍ફળ વિદ્યાર્થીનો આપઘાત

આણંદ: આણંદ પાસે આવેલા વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય ઈકોનોમિક્સના વિદ્યાર્થી વિપુલ વસાવાએ સોમવારે સવારે રૂમમાં પંખા સાથે કપડાં સૂકાવવાની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. વિપુલના રૂમમાં એક પાનાની સુસાઇડ નોટ પણ મળી હતી. વિપુલ મૂળ દેડિયાપાડાના કાલ્લી ગામનો વતની હતો અને ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો  હતો. તેણે નિષ્ફળ પ્રેમપ્રકરણને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ સોમવારે બન્યો હતો. વિપુલે તેના મિત્રો માટે દરવાજો ન ખોલતા મિત્રોએ બારીમાંથી તપાસ કરી હતી. આ સમયે તેમને વિપુલનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. આ ઘટના અંગે તરત જ 108 તેમજ વિદ્યાનગર પોલીસને જાણ કરાઈ હતી. વિદ્યાનગર પોલીસે રૂમમાં તપાસ કરતાં રૂમમાંથી એક પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે આત્મહત્યા માટે નિષ્ફળ પ્રેમપ્રકરણને જવાબદાર ગણાવાયું છે. વિપુલે સ્પષ્ટતા કરી છે કે તે આદિવાસી હોવાના કારણે તેને પ્રેમિકાએ બ્રેકઅપ કરી લેતા તે આત્મહત્યા કરી રહ્યો છે.

શું લખ્યું છે સુસાઇડ નોટમાં?

સોરી મમ્મી-પપ્પા.. પણ હું હવે મારી જિંદગીથી હારી ગયો છું એવું લાગે. હવે મારાથી ના જીવાય એટલા માટે હું આત્મહત્યા કરુ કારણ હું મારી પ્રેમિકા વગર પણ ના રહી શકું. એ વાત એને ખબર છે. અને એને એ વિશે ખબર હતી કે હું વસાવા છું. તો પણ તે મારી સાથે સંબંધ રાખ્યો. અને એ પણ ખબર હતી કે એના મમ્મી-પપ્પા ના માને તો પણ હવે મારો સાથ નિભાવવાનો વારો આવ્યો ત્યારે એ એવું કહે છે કે મને ભૂલી જા. પણ મારાથી નથી થતું. હું ના હોવ તો મમ્મી-પપ્પા મને પ્રોમિસ કરો કે તમે યુવતીના ઘરે જજો અને એના મમ્મી પપ્પાને કેજો કે હવે અમારો છોકરો વસાવા હતો તો શું વાંધો હતો. શું એક વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? હું પણ એક માણસ છું. અને એના મમ્મી પપ્પા, દાદા, કાકા-કાકી બધાને કઈ દેજો કે હવે મારો છોકરો મરી ગયો તો તમે બધા ખુશ. હવે તો એ પોલીસ કેસ કરવાની ધમકી ના આપે. એ લોકો વસાવાને શું સમજતા છે કે એ લોકો એકદમ વાહિયાત જંગલમાં રહેવાવાળા માણસો છે એવું સમજતા હશે. પણ એ બધા લોકો કરતાં આપણા આદિવાસી સારા હોય. અને મને ગર્વ થાય છે કે હું આદિવાસીનો છોકરો શું. એ લેટર મારા બધા મિત્રોને પહોંચાડજો અને હું બધાને વિનંતી કરું છું કે મારા મમ્મી પપ્પાને સાથ આપજો.

(4:38 pm IST)