Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પ્રાણપ્રિયા, પ્રિયતત્વા તેમજ નિત્યાનંદ સામે ચાર્જશીટ રજૂ

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસની કાર્યવાહી : ચાર્જશીટમાં ૫૦ સાક્ષીઓના નિવેદન : નિત્યાનંદની વિરૂદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જારી કરી હોવા સહિતના મુદ્દાનો ઉલ્લેખ

અમદાવાદ,તા. ૨૨ : નિત્યાનંદ આશ્રમના ચકચારભર્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોર્ટમાં નિત્યાનંદ, પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વા વિરૂદ્ધ દળદાર ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ ત્રણેય આરોપી સામે બાળકોને ગોંધી રાખવા સહિતના ગુનાઓ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ છે. આ ચાર્જશીટમાં ૫૦ જેટલા સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યા છે. લગભગ ૮૩ પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નિત્યાનંદ સામે બ્લૂ કોર્નર નોટિસ પણ ઈશ્યુ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આરોપી નિત્યાનંદની ગ્રામ્ય પોલીસે શોધખોળ કરી હતી, પરંતુ નિત્યાનંદની કોઈ ભાળ મળી આવી નહોતી. નિત્યાનંદ હાલ કયા દેશમાં છે તેની કોઈ ભાળ મળી ન હોવાથી તેની સામે બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે, અને સીઆરપીસીની કલમ- ૭૦ મુજબનું વોરન્ટ કાઢવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા હાથીજણ ખાતેના આશ્રમની સંચાલિકા છે.

          બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્વાને સોંપાઈ હતી. નિત્યાનંદના હાથીજણ આશ્રમની મુખ્ય હેડની જવાબદારી પ્રાણપ્રિયાને સોંપાઇ હતી. નિત્યાનંદની સૂચનાથી બાળકોને તેના વાલીને આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે કંઈપણ કહેવાની મનાઇ ફરમાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પહેલા તા.૨૦ નવેમ્બરના રોજ હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. બન્ને પર બાળકોનું અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા. આશ્રમમાં બાળકો કામ ન કરે અથવા તેમના વાલીને મળવાનું કહે તો પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા તેમને ગુરુદ્રોહ અને કાલભૈરવના શ્રાપની ધમકી આપી ડરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જો કે, આશ્રમની બે ગુમ થયેલી યુવતીઓની ભાળ મેળવવા તેમના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી દાખલ કરાયેલ છે, જે પેન્ડીંગ છે.

(8:37 pm IST)