Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આઇટીની ઊંચી ડિમાન્ડની નોટિસથી ફફડેલા જવેલર્સ રજૂઆત કરવા દોડ્યા

નોટબંધી વખતના કેસોમાં ચીફ ઇન્કમટેકસ કમિશનર સમક્ષ સ્ટે આપવા માગણી કરાઇ

અમદાવાદ તા.૨૨: નોટબંધીના કેસમાં કરદાતાઓને ઇન્કમટેકસ વિભાગ દ્વારા અમદાવાદ સહિતના જવેલર્સને મોટી રકમની આપવામાં આવેલી ટેકસ ડિમાન્ડના પગલે જવેલર્સ એસોસીએશન, ટેકસ પ્રેકિટશનર્સ, સીએ સહિતના અગ્રણીઓ ચીફ કમિશનરને રજૂઆત કરવા અંગે દોડી ગયા હતા. કેટલાક કેસોમાં આડેધડ કરવામાં આવેલી આકારણીની ફરિયાદની સાથે કરદાતાઓ જયાં સુધી પ્રથમ અપીલમાં ન જાય ત્યાં સુધી ટેકસ ડિમાન્ડના ૨૦ ટકા નહીં ભરવા બાબતે સ્ટે આપવા માગણી કરી હતી.

જવેલર્સ અને ઉદ્યોગપતિઓમાં અત્યારે તેમને મળેલી જંગી રકમની ટેકસ નોટિસના મામલે હતાશાનો માહોલ છે. જંગી ટેકસ ડિમાન્ડને પગલે હવે શ્રોફ અને કમિશન એજન્ટોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. એક માત્ર અમદાવાદમાં જ જંગી ટેકસ ડિમાન્ડના ૩૦૦ થી વધુ કેસમાં અંદાજે ૩૦૦ કરોડથી વધુ રકમની ટેકસ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે.

હવે આ મોટી ડિમાન્ડના કેસમાં કરદાતા પ્રથમ અપીલમાં જાય ત્યાં સુધી ચીફ ઇન્કમટેકસ કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજકોટ સુરતના અનેક જવેલર્સ અને ઉદ્યોગપતિઓને નોટિસ ફટકારવામાં આવી છે. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકિટશનરના તમામ ઝોનના પ્રતિનિધિઓ જવેલર્સ એસોસીએશન, સીએ અને ટેકસ કન્સલ્ટન્ટ્સ વગેરે મંડળોએ ચીફ કમિશનરને જંગી ટેકસ ડિમાન્ડની સામે સ્ટે આપવા રજુઆત કરી છે. આકારણી વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષના હાઇપોચ એસેસમેન્ટ ઓર્ડરની સામે કરદાતાએ અપીલમાં જવા માટે પહેલાં ૨૦ ટકા રકમ ભરવી પડે આ રકમ ન ભરવા માટે ૧૦૦ ટકા રકમ ઉપર સ્ટે આપવા માટે માગણી કરાઇ છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ચીફ કમિશનરે તમામ રજુઆતો ધ્યાનથી સાંભળી હતી અને આકારણી અધિકારીને સ્ટેની અરજી તથા અપીલ કમિશનરને અરજી થશે ત્યારે વહેલી તકે ૩ થી ૬ માસમાં કેસના નિકાલ કરવામાં આવશે, અને કરદાતાની અપીલ વહેલી ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું એસોસીએશનની ફરિયાદ છે કે કેટલાક કેસોમાં આડેધડ આકારણી કરવામાં આવી છે. તાજેતરમાં પંચમહાલના શ્રોફના કિસ્સામાં રૂ.૧૨૦ કરોડની ટેકસ ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી  છે.

(4:16 pm IST)