Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૪ કરોડ લીટર પાણીના સતત મારાથી રઘુવીર માર્કેટની આગ ૨૪ કલાકે કાબુમાં આવી

જવાબદારો સામે પગલાની ખાત્રી : રઘુવીર માર્કેટની બીયુસી રદ્દ કરવા આદેશ : નુકસાનીનો અંદાજ હવે મંડાશે

રાજકોટ તા. ૨૨ : સુરતની પુણા કુભારીયા રોડ ઉપર આવેલ રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ ૨૪ કલાક સતત પાણીના મારા બાદ આગ કાબુમાં આવી છે. ૭૦ ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા ૪ કરોડ લીટર પાણી વાપરવામાં આવ્યું છે.

સુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂ આવી ગઇ છે. ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ હજુ પણ ઘટનાસ્થળે જ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા આખી રાત પાણીનો મારો કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સુરત મનપા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાની દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઇ છે. મનપા કમિશનરની અધ્યક્ષતામાં આર્કિટેકટ, વેપારી તેમજ બિલ્ડરની બેઠક યોજાશે. જેમાં એલિવેશન કઇ રીતે રાખવું, આગમાં ડિસ્ટર્બન્સ ન થાય તે માટે શું કરવું જેવી મહત્વની બાબત પર ચર્ચા-વિચારણા હાથ ધરાશે. આ ઉપરાંત બિલ્ડીંગ અંગેનો સમગ્ર રિપોર્ટ પણ કાઢવામાં આવશે. જો બિલ્ડીંગ ભયજનક હશે તો આખેઆખી ઉતારી લેવામાં આવશે. બીજી તરફ મનપા કમિશનરે જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સાથે જ માર્કેટની બીયુસી રદ કરવાની કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે.

(1:06 pm IST)