Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાધનપુરના મોટી પીપળી ગામે પ્રેમી પંખીડાએ દવા પીધી: યુવક-યુવતી અને મિત્રનું પણ મોત

પ્રેમમાં ભાન ભૂલી યુવક અને યુવતીએ દવા પીધા બાદ અન્ય એક યુવકે પણ ગભરાહટમાં દવા પીધી

રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે યુવતી અને બે નવયુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મહેસાણા જિલ્લાના પ્રેમી પંખીડાએ આવેશમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રેમમાં ભાન ભૂલી યુવક અને યુવતીએ દવા પીધા દરમ્યાન અન્ય એક યુવકે પણ ગભરાહટ વચ્ચે દવા પીધી હતી. જેમાં ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હોઇ પરિજનોને આભ ફાટી પડ્યું છે.

 પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ પાસેથી એક યુવતી સહિત ત્રણની લાશ મળી હતી. જેની જાણ થતાં તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામેથી પ્રેમી પંખીડા ભાગી ગયા હતા. આ પછી વિચારોની ગતિવિધિમાં દોડાદોડીને અંતે રાધનપુર પંથકમાં આવ્યા હતા. જ્યાં અચાનક આવેગ અને સંયમ ઉપર કાબૂ ગુમાવી જીવન ટૂંકાવવા દવાની બોટલ પીધી હતી

 . આ દરમ્યાન સાથી મિત્ર તરીકે વિજાપુર તાલુકાના અન્ય એક યુવાને પણ ગભરાહટ અનુભવી જોડેજોડે દવા પીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર પોલીસે ઘટનાને પગલે તપાસ કરતાં સાથી મિત્ર તરીકેની ઓળખમાં અશ્વિન જયંતીભાઈ (ઉ. ૨૫) ગામ.પેઢામની તા. વિજાપુર સામે આવ્યું છે. જ્યારે યુવક-યુવતી તરીકે વિસનગર તાલુકાના કડા ગામના પ્રકાશભાઈ બળદેવભાઈ (ઉ.૧૮) અને હિરલબેન દેવીપુજક (ઉ.૧૮)ની ઓળખ થઈ છે. યુવતીનું સગપણ વિજાપુર તાલુકાના પેઢામલી ગામે હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં ત્રણેય મૃતકોના પરિવારજનોને ધ્રાસકો પડ્યો હોઇ તાત્કાલિક દોડી આવ્યા હતા. આ તરફ પોલીસે ત્રણેય મૃતકોને પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સંબંધોની આંટીઘૂંટી વચ્ચે ચઢતી યુવાનીમાં મોત વ્હાલું કરતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

(12:13 pm IST)