Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાજપનું ગુજરાત 'મોડેલ ' ઝંખવાયું: રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાંથી 'કાંકરો' નીકળી ગયો

ગોરંભાયેલા રાજકીય વાતાવરણ વચ્ચે હાઇકમાન્ડના અકળ વલણથી નવાજુનીની માન્યતાને બળઃ ર૧ રાજયોમાં પ્રદેશ પ્રમુખોની ચૂંટણી પુરી થઇ ગઇ છે, ગુજરાતમાં હજુ જિલ્લા પ્રમુખોના ઠેકાણા ન હોવાથી કેન્દ્રીય ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાતઃ રાજયના મોભીઓને મળ્યો માત્ર અભિનંદન આપવાનો અધિકાર

રાજકોટ, તા., રરઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે.પી.નડ્ડાને ચુંટવા માટેની પ્રક્રિયા બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે યોજાયેલ. જેમાં દેશભરના ર૧ રાજયોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભાજપ માટે મોડેલ ગણાતા ગુજરાતને આ પ્રક્રિયામાં વિધિવત ભાગ લેવાની તક મળી નહોતી. ઘણા વર્ષો પછી અને કદાચ પહેલી વખત આવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

જે રાજયોમાં બુથથી માંડી પ્રદેશ પ્રમુખ કક્ષા સુધીની સંગઠન પ્રક્રિયા પુરી થઇ ગઇ હોય તે રાજયના પ્રતિનિધિઓ રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીમાં દરખાસ્ત કરવામાં અને ટેકો આપવામાં ભાગ લઇ શકે છે. દેશના ર૧ રાજયોમાં આ કામગીરી પુરી થઇ ગઇ છે. ગુજરાતમાં હજુ જિલ્લા પ્રમુખોની નિમણુંકના પણ ઠેકાણા નથી. સંગઠન પ્રક્રિયા પૂરી થઇ ન હોવાથી ભાજપની બંધારણીય જોગવાઇ અનુસાર ગુજરાતને રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો હક્ક મળેલ નહિ તેમ ભાજપના વર્તુળો જણાવે છે. દેશભરમાં સંગઠન અને સતાકીય પ્રગતિની બાબતમાં ગુજરાત રાહ ચિંધનારૂ ગણાય છેે. રાજયમાં જિલ્લા પ્રમુખોની ચુંટણી પ્રક્રિયા ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરવાનું જે તે વખતે પ્રદેશ પ્રવકતાએ પાર્ટી વતી જાહેર કર્યુ હતું. આ કામ હજુ અધુરૂ છે. જિલ્લા પ્રમુખોની નિમણુંકનો મામલો કેન્દ્ર કક્ષાએ અટવાયેલો છે.

ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ અત્યારે ગુજરાતનો અવાજ નિર્ણાયક હોવા છતા ગુજરાતના સંગઠન બાબતે નિર્ણય ન થઇ શકયો અથવા ન કરવામાં આવ્યો તે બાબત ઘણું સુચવે છે. હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચુંટણી નહી પરંતુ સીધી એડહોક નિમણુંક થશે. પ્રદેશ પ્રમુખની વરણી પછી મહાનગરો અને જિલ્લાના પ્રમુખોની વરણી થશે.

રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીના દિવસે ગુજરાતના દસેક આગેવાનો દિલ્હી ગયેલા તેમને માત્ર નવા પ્રમુખને અભિનંદન આપવાનો અધિકાર મળ્યો હતો. ગુજરાતમાં ગોરંભાયેલા મનાતા રાજકીય વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નેતાગીરીના અકળ વલણથી નવાજુનીની માન્યતાને બળ મળી રહયું છે.

(11:02 am IST)