Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે નક્કર પગલું: લોકો ઘરેથી દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકશે : મહેસુલમંત્રી કૌશિકભાઈએ કરેલી જાહેરાત

અમદાવાદ, તા. ૨૨: મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજ્યમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઇ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી જુદી પદ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ મહેસુલી સેવાઓ મેળવવામાં નાગરિકોને સરળતા રહે, સમયનો વ્યય ન થાય અને પ્રક્રિયા ઓનલાઈન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જેના ભાગરુપે તબક્કાવાર મહેસુલી સેવાઓ ઓનલાઈન અને ડિજિટલ કરવાની કામગીરી ઝડપથી અમલી બની રહી છે. આવી જ એક પ્રક્રિયાના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાય તે માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લિકેશન નાગરિકો પોતાના ઘરે બેઠા, જોઈએ તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી નોંધણી થતાં દસ્તાવેજ માટે ભરી શકશે. મહેસુલમંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ પદ્ધતિ અમલમાં આવતા નોંધણી કચેરીમાં દસ્તાવેજ નોંધાવતા પહેલા ખરીદવાના થતાં સ્ટેમ્પ પેપર કે ફ્રેન્કિંગ કે ઇસ્ટેમ્પિંગ માટે જે તે સ્થળ પર ગયા સિવાય લોકો ઘેર બેસીને જ ઓનલાઈન પદ્ધતિથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી શકશે. જેને કારણે સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી જુદી જગ્યાએ જવામાં રાહત મળશે અને બિનજરૃરી વિલંબ નિવારી શકાશે. ઇ-પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવતા નાગરિકોના નાણા અને સમયનો બચાવ થશે તથા ઓનલાઈન પેમેન્ટ થવાથી સાયબર ટ્રેઝરી મારફત તે જ સમયે સરકારમાં રકમ જમા થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પદ્ધતિમાં જરૃરી વિગતો સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાથી મળતી પહોંચની સબ રજિસ્ટ્રાર દ્વારા ચકાસણી કરી તેના ઉપયોગ બાદ લોક-ઇન કરવાથી રાજ્ય સરકાર અને નાગરિકોના નાણાંકીય હિતની સલામતી અને સુરક્ષા જળવાશે તેમજ ઓનલાઈન રેકોર્ડ હોવાથી ગમે ત્યારે આ વસ્તુની ખરાઈ જાણી શકાશે.

(9:54 pm IST)