Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોકસભાની ચૂંટણી માટે લાખો નવા EVM ખરીદાયા, ચૂંટણી પંચ દરેક રાજયની મુલાકાત જશે

મતમશીનમાં ચેડાના આક્ષેપને ગંભીર ગણતુ ચૂંટણી પંચઃ ખૂબ કાળજી રાખવા સૂચના

ગાંધીનગર, તા.૨૨: આગામી મે માસમાં ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા તૈયારીનો આરંભ થઇ ચૂકયો છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી ધ્યાને લઇ લાખોની સંખ્યામાં EVM ના નવા મશીનો લેવાની કામગીરી શરૂ કરી છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા આ અંગે તમામ રાજયોને ચૂંટણી અંગેની કામગીરી કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત દરેક રાજયોના ચૂંટણીપંચની મતદાર યાદીથી માંડી મતદાન મથકો, બુથ મેનેજમેન્ટ, જરૂરી સ્ટાફ ઉપરાંત જરૂરી પુરતો પોલીસ બંદોબસ્ત વગેરે તૈયારીઓ કરવાના આદેશો કરવામાં આવી ગયા છે. ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા દરેક રાજયો પાસેથી છેલ્લે સુધી નોંધવામાં આવેલ મતદારોની સંખ્યા અને મતદારોને પોતાના ઓળખકાર્ડ પહોંચાડવામાં આવ્યા છે કે નહિ તેમ જ ચૂંટણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે કે નહિ જેવા અગત્યના મુદાઓની વિસ્તૃત વિગતો મંગાવવામાં આવી છે. છેલ્લા ઘણાય સમયથી સમગ્ર દેશમાં EVM મશીનો પર અંગેના આક્ષેપો થઇ રહ્યા છે. આ બાબતને આ વખતે ભારતના ચૂંટણીપંચ દ્વારા ગંભીર ગણવામાં આવી છે અને તે બાબત ધ્યાને લઇ ભારતના ચૂંટણીપંચ દ્વારા તમામ રાજયોને અનુભવી વ્યકિતઓની નિમણૂંક ચૂંટણી કામગીરીમાં કરવામાં આવે તેવી કડક તાકીદ કરવામાં આવી છે.

આગામી ટુંક સમયમાં લોકસભાની ચૂંટણી અંગેની વિધિવત જાહેરાત થતાની સાથે જ ભારતના ચૂંટણીપંચની જુદી જુદી ટીમમાં દરેક રાજયોની મુલાકાતે આવશે. આ ટીમ ચૂંટણી અંગેની તમામ વિગતો એકત્રિત કરશે અને જરૂરી માર્ગદર્શન પુરુ  પાડશે એનો સંપુર્ણ અહેવાલ ભારતના ચૂંટણીપંચને સોંપવામાં આવશે.(૨૩.પ)

(11:24 am IST)