Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

DA-IICT પદવીદાનમાં ૪૩૭ વિદ્યાર્થીને ડિગ્રી મળી

૧૧ પીએચડી સ્કોલર્સને ડિગ્રી એનાયત કરાઇઃ સમારોહમાં ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટીટયુટના ડિરેકટર પ્રો. સંઘમિત્રા બંદોપાધ્યાય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત

અમદાવાદ, તા.૨૨, ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી(ડીએ-આઇઆઇસીટી)નો ૧૪મો પદવીદાન સમારોહ તાજેતરમાં ગાંધીનગર સ્થિત ડીએ-આઇઆઇસીટી કેમ્પસમાં યોજાઇ ગયો, જેમાં શિક્ષણજગતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોની હાજરી વચ્ચે ૪૩૭ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૧ પીએચડી સ્કોલર્સને પણ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટીટયુટના ડિરેકટર પ્રો.સંઘમિત્રા બંદોપાધ્યાય મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ડીએ-આઇઆઇસીટીના પદવીદાન સમારોહ પ્રસંગે પ્રો.સંઘમિત્રા બંદોપાધ્યાયે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા અને પ્રગતિના શિખરો સર કરવાની સાથે પ્રમાણિકતા અને સામાજિક મૂલ્યોનું જતન કરવા પણ શીખ આપી હતી. ઉલ્લેખનીય છે કે, કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ અને કમ્પ્યુટેશનલ બાયોલજીમાં નિપુણતા ધરાવતા પ્રો.બંદોપાધ્યાયે એન્જિનીયરીંગ સાયન્સમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ મેળવ્યું છે. ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટીટયુટના ડિરેકટર તરીકે તમામ પાંચ કેન્દ્રોની કામગીરીની સાથે સાથે દેશભરમાં ફેલાયેલા સ્ટેટેસ્ટીકલ કવોલિટી કંટ્રોલ અને ઓપરેશનલ રિસર્ચ યુનિટ પર દેખરેખ રાખવાની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પદવીદાન સમારંભ દરમ્યાન બી.ટેક (ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી)ના પંચાલ પાર્થ દિક્ષિતભાઇ, બી.ટેક૯ઓનર્સ) ઇન આઇસીટી વીથ માઇનોર ઇન કમ્પ્યુટેશનલ સાયન્સની ઝરણા પરેશકુમાર પારેખ, એમટેક (ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી)ના દેસાઇ મીત નીતિનભાઇ, એમએસસી (આઈટી)ના સુનિલ સુરેશભાઇ ચાવલા, એમએસસી (ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી-એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ)ની પટેલ અશ્વિની કનુભાઇ અને એમ.ડેસ (કમ્યુનિકેશન ડિઝાઇન)ના સૌરવ શર્માને પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ મેળવનાર વિજેતા વિદ્યાર્થી તરીકે સન્માનિત કરાયા હતા.  પદવીદાન સમારોહ દરમ્યાન ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

(9:50 pm IST)