Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

એસટી સેવાને હજુ અસર.....

સુરત પોલીસ કમિશનરની કડક કાર્યવાહીની ચિમકી

સતત બીજા દિવસે એસટી સેવા ખોરવાતા મુસાફરોની હાલત કફોડી

   પદ્માવત ફિલ્મના વિરોધમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલી તોડફોડ, આગચંપી અને છમકલાઓની ઘટનાને પગલે મહેસાણા જિલ્લાની રદ કરાયેલી ૧૫૦૦થી વધુ ટ્રીપ ઉપરાંત રાજયની હજારો એસટી બસોની ટ્રીપો રદ કરી દેવાતાં લાખોે મુસાફરો રઝળી પડયા હતા. આજે સતત બીજા દિવસે પણ રાજયમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં એસટી બસ સેવા ખોરવાયેલી રહેતાં મુસાફરોની હાલત ભારે કફોડી અને દયનીય બની રહી છે.  શહેરના રાણીપ ટર્મિનલ પર મુસાફરોની હાલત ભારે કફોડી બની હતી. હજારો મુસાફરો રસ્તામાં જ અથવા તો જે તે એસટી ડેપો પર અટવાઇ પડયા હતા. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધ મુસાફરોની હાલત ભારે દયનીય બની રહી હતી.

સુરત પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી

   શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે ગઇકાલે શહેરના તમામ પોલીસમથકોને પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહેલા તત્વો જો કાયદો હાથમાં લે તો તેઓની વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધની આઇપીસીની કલમ-૩૦૮ સહિતની આકરી કાર્યવાહી કડક સૂચના અને નિર્દેશો જારી કરાયા બાદ આજે સુરત પોલીસ કમિશનરે પણ આ પ્રકારની કડક તાકીદ સુરતના તમામ પોલીસ મથકોને કરી હતી અને તોફાની તત્વોને સાફ ચીમકી આપી હતી કે, જે કોઇ કાયદો લેશે અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ કરશે તો પોલીસ તેને બક્ષશે નહી. સુરત પોલીસ કમિશનરે સુરતના થિયેટર માલિકોને પણ જે તો પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા માંગતા હશે તો તેઓને પૂરતી પોલીસ સુરક્ષા અને બંદોબસ્ત ફાળવવા હૈયાધારણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદના તમામ પોલીસમથકોને પદ્માવત ફિલ્મના વિરોધમાં જો અનિચ્છનીય બનાવો મલ્ટિપ્લેક્સ થિયેટર કે શોપીંગ મોલ્સ સહિતના સંકુલોમાં બને ત્યારે પોલીસે આવા તોફાની તત્વો વિરૂદ્ધ જરૂર પડયે સાપરાધ મનુષ્ય વધની ઇપીકો કલમ-૩૦૮ અને ઇપીકો કલમ-૧૨૦(બી) હેઠળ હેઠળ સખત કાર્યવાહી કરવા કડક તાકીદ કરી હતી.

(8:17 pm IST)