Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરતમાં ઉતરાયણ બાદ પતંગ ચગાવવા ચડેલ બાળક ચોથા માળેથી નીચે પટકાતા મોતના મોમાં ધકેલાયો

સુરત:ઉતરાયણનો તહેવાર ગયા બાદ પણ પતંગની રામાયણ ચાલી રહી છે. કાપોદ્રામાં ગતસાંજે પતંગ ચગાવતી વખતે ચોથા માળેથી નીચે પટકાતા બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ડીંડોલીમાં ફસાયેલો પતંગ કાઢવા જતાં બાળકને કરંટ લાગ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, કાપોદ્રામાં ચીકુવાડી ખાતે એસ.એમ.સી. ક્વાર્ટર્સમાં રહેતા અતુલભાઈ ત્રિવેદીનો ૯ વર્ષીય પુત્ર આયુશ ગઈકાલે સાંજે ચોથા માળે પતંગ ચગાવતો હતો. ત્યારે અચાનક નીચે પટકાતા તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. તે મૂળ ભાવનગરના પાલીતાણાનો વતની હતો. તેના પિતા વતનમાં વીજ કંપનીમાં નોકરી કરે છે. તે ધો.૩ માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં લાડકવાયા પુત્રના મોતથી ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ડીંડોલી મહાદેવનગરમાં રહેતો ૧૧ વર્ષીય રાજ દેવસીંગ રાજપૂત આજે સવારે ઘરની અગાસીમાંથી વીજવાયરમાં ફસાયેલો પતંગ કાઢતો હતો. જેમાં તેને ઇલેકટ્રીક કરંટ લાગતા દાઝી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તે ધો. ૬માં અભ્યાસ કરે છે. તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. તે મૂળ રાજસ્થાનના વતની છે.

(5:57 pm IST)