Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સાયબર ક્રાઈમ સામે 'સ્પીડબ્રેકર': ધો. ૮-૯માં ખાસ ચેપ્ટર દ્વારા અભ્યાસ

દેશને ડીજીટલ ઈન્ડીયા બનતા અવરોધો દૂર કરી સાયબર ક્રાઈમ સામે જાગૃતિ લાવવા ગુજરાત સરકારની પહેલઃ રક્ષા શકિત યુનિ.ના વડા વિકાસ સહાયને મહત્વની જવાબદારી સુપ્રતઃ ધો. ૧૧ - ૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જઈ તજજ્ઞો પાવર પ્રેઝન્ટેશન રજૂ કરશેઃ 'વ્હાઈટ કોલર' ક્રિમીનલ સામે જાગૃતિ અર્થે મહાઅભિયાનનો પ્રારંભ

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત સહિત દેશભરમાં વધતા જતા સાયબર ક્રાઈમ સામે રાજ્યભરના લોકોમાં પ્રથમથી જ જાગૃતિ આવે આની સાથોસાથ સાયબર ક્રાઈમના વધતા જતા ગુન્હા બનતા અટકાવવા માટેની સમજણ કેળવાય અને જે માટે વિદ્યાર્થી અવસ્થાથી જ જાણકારી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડીયા આડેના અવરોધો દૂર કરવા એક મહત્વનું અભિયાન હાથ ધરી તેની મહત્વની જવાબદારી રાજ્યની રક્ષાશકિત યુનિવર્સિટીના એડી. ડીજીપી કક્ષાના વડા અને સિનીયર આઈપીએસ વિકાસ સહાયને સુપ્રત થઈ છે.

 

જેના ભાગ રૂપે ધો. ૮ અને ૯ મા સાયબર ક્રાઈમનું એક ખાસ ચેપ્ટર અભ્યાસક્રમમાં સામેલ થાય તે માટેની વિશેષ જવાબદારી જેઓને સુપ્રત થઈ છે તેવા વિકાસ સહાય દ્વારા સાયબર ક્રાઈમ વિરૂદ્ધના ટોચના તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સુંદર માહિતી મળે તે માટેના ખાસ ચેપ્ટરની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અત્રે યાદ રહે કે ટેકનોલોજીની શોધ દેશ માટે ક્રાંતિ સમી બની રહી છે. દેશ કેશલેશ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે ત્યારે આ ક્રાંતિમાં જાણે રોડા નાખવા હોય તેમ કેટલાક સાયબર હેકરો અને ક્રિમીનલોની કેટલીક ટોળકીઓ દ્વારા પાસવર્ડ વગેરે હેક કરી નાણા ટ્રાન્સફર કરવા, એટીએમના પાસવર્ડો યેનકેન પ્રકારે મેળવી છેતરપીંડી કરવી વગેરે મોટાપાયે ગોરખધંધા ચાલે છે.

 

ઉકત બાબતે રક્ષાશકિત યુનિવર્સિટીના વડા એવા સિનીયર આઈપીએસ વિકાસ સહાયનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં રાજ્ય સરકારની નીતિ મુજબ સાયબર ક્રાઈમ સામે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ માટે પાયારૂપ ધોરણ ૮ અને ૯ના માધ્યમિક શિક્ષણના પ્રારંભે જ સાયબર ક્રાઈમનું એક ચેપ્ટર નિષ્ણાત તજજ્ઞોની મદદથી અભ્યાસક્રમમાં દાખલ કરવા બાબતને સમર્થન આપ્યુ હતું.

એડી. ડીજીપી કક્ષાના સિનીયર આઈપીએસ વિકાસ સહાયએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, ધો. ૮ અને ૯ માં અભ્યાસક્રમમાં ખાસ ચેપ્ટર દાખલ કરવાની સાથોસાથ ધો. ૧૧ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ સામે જાગૃતિ લાવવા માટે તજજ્ઞો સાથે શ્રેણીબદ્ધ એક અપ ટુ ડેટ પાવરફુલ પ્રેઝન્ટેશન પણ તૈયાર કરેલ છે. વિવિધ સ્કૂલોમાં યુનિવર્સિટીના તજજ્ઞો જઈ પાવર પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવા સાથે તેઓને મનમાં મુંઝવતા પૂરક સવાલોના જવાબો પણ અપાશે. આ બાબત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને ભાવિ પેઢી માટે જાગૃતતા સાથે વડાપ્રધાનના વિવિધ પ્રોજેકટ ડીજીટલ ઈન્ડીયાના પ્રોજેકટમાં મદદરૂપ બનશે.

અત્રે યાદ રહે કે સાયબર ક્રાઈમ ક્રિમીનલો અને હેકરો દ્વારા દેશભરમાં વિશેષ ટોળકીઓ બનાવી યેનકેન પ્રકારે ગ્રાહકોના નંબર મેળવી કેટલીક યુવતીઓ મારફત ફોન કોલ્સ દ્વારા બેન્કોના નામે માહિતી માંગવામાં આવે છે. ઘણી વખત તો શિફતથી એટીએમ કાર્ડના પીન નંબર પણ મેળવી લેવામાં આવે છે. આ બાબતે લોકો ખૂબ જાગૃતિ રાખે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં લોકોનો સહકાર પણ ખૂબ જ જરૂરી હોવાનું વિકાસ સહાયે વાતચીતના અંતે જણાવ્યુ હતું.

(3:32 pm IST)