Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજ્યસભાની ખાલી બે સીટોની ચૂંટણી જુદી-જુદી થવાના સંકેત

ગુજરાતના રાજકારણમાં ફરી ઉલટફેરની શક્યતા : કોંગીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી બે બેઠકો ખાલી પડતાં ચૂંટણી યોજાશે

ગાંધીનગર, તા. ૨૧ : ગુજરાતની રાજનીતિમાં ફરી એકવખત મોટા ઉલટફેર જોવા મળી રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની સીટ પર ચૂંટાઈ આવેલા અહેમદ પટેલ, અભય ભારદ્વાજના નિધનથી ફરી એકવાર તે બન્ને બેઠકો ખાલી થઈ છે, જેને લઈને કોંગ્રેસ અને ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. હાલ રાજ્યસભાની બન્ને બેઠકોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ખાલી રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજાશે તેવા વાવડ મળી રહ્યા છે. હાલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે.

ગુજરાતના રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા સાંસદ અભય ભારદ્વાજનું કોરોના બાદ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું, તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. તેના પહેલા કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.

હવે ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકો પાછળનું ગણિત સમજીએ તો અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાય ત્યારે ભાજપ તેની બેઠક વિધાનસભામાં પોતાના સભ્યોના સંખ્યાબળને આધારે જીતે તેમ હતું, પરંતુ હવે ભારદ્વાજના નિધનને કારણે ખાલી પડેલી બેઠકને કારણે મતોની સંખ્યા વહેંચાવાથી કોંગ્રેસ એક બેઠક મેળવી શકશે.

બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે ૬૧ મત જોઈએ. હાલ ભાજપ પાસે ૧૧૧ ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા ૧૧ ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના એહમદ પટેલના ટર્મ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ સુધી હતી. જ્યારે અભય ભારદ્વાજની ટર્મ ૨૧ જુન ૨૦૨૬ના રોજ પુર્ણ થતી હતી. રાજ્યસભાએ ગુજરાતમાં ૧૧૧ પૈકી ૨ બેઠકો ખાલી થયાનું જાહેર કર્યા બાદ સવા મહિનામાં પેટા ચૂંટણી થશે. જૂલાઈ ૨૦૧૯ની ચૂંટણીથી અલગ આ વખતે બેઉ બેઠકોની ટર્મ અને ખાલી થવાનાં કારણો અલગ અલગ છે પણ સુપ્રીમમાં કેસ હોવાથી એક સાથે ચૂંટણી નહિ થાય તેથી ભાજપને બહુમતીના જોરે બંને બેઠકો સરળતાથી મળશે. ૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદપદેથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો ખાલી થવા સંદર્ભે એક દિવસના અંતરે એક પછી એક નોટિફિકેશન જાહેર થયા અને તેના આધારે ચૂંટણી પંચે એક જ ટર્મની બે બેઠકો માટે એક જ દિવસે બે અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી જાહેર કરી હતી.

(8:33 pm IST)