Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નર્મદામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપ સક્રિય : ગરુડેશ્વરના દિગગજ કોંગ્રેસી કાર્યકર રવિદાસ ભીલને કેસરિયો ખેસ પહેરાવ્યો

ભાજપમાં ઉત્સાહ, બીટીપીએ એકલા લડવા જાહેરાત : કોંગ્રેસ કાર્યકરોનું મનોબળ તૂટ્યું

રાજપીપળા : રાજ્યની વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરીણામો ભાજપ તરફી આવતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે બીજી બાજુ કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ તૂટી રહ્યું છે, હવે ગણતરીના મહિનાઓમાં જ સમગ્ર ગુજરાતમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે.

ભાજપનું સારું એવું વાતાવરણ હોવા છતાં પણ ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા બિલકુલ કચાસ છોડવા માંગતું નથી.નર્મદા જિલ્લામાં ગત વખતે 5 તાલુકા પંચાયત માંથી ભાજપના ખાતામાં ફક્ત એક જ ગરુડેશ્વર તાલુકા પંચાયત આવી હતી, બાકીની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ-બિટીપીએ ગઠબંધનની સરકાર બનાવી હતી.

આ વખતની ચૂંટણીમાં એનું પુનરાવર્તન ન થાય એ માટે નર્મદા જિલ્લા નવનિયુક્ત ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિત આખી ભાજપની ટીમ જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને ચૂંટણી જીતવાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે.હજુ ગત 27 મી નવેમ્બરે જ નર્મદા ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત થઈ છે, તો અત્યાર સુધીમાં ભાજપે લગભગ તમામ વિસ્તારોમાં પેજ કમિટીથી લઈને સંગઠન અને ચૂંટણી લક્ષી તમામ કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.

 

બીજી બાજુ બિટીપીએ પણ આ વખતે એકલે હાથે નર્મદા-ભરૂચ જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગર પાલિકા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.બિટીપીએ પણ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ચૂંટણી લક્ષી બેઠકો શરૂ કરી દીધી છે.બિટીપીએ તો એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈને ટેકો આપવાનો વારો આવ્યો તો વિપક્ષમાં બેસીશું પણ કોઈને ટેકો તો નહીં જ આપીએ.

આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લક્ષી કોઈ જ પ્રકારની કામગીરીનો આરંભ કરાયો નથી.ભાજપની સક્રિયતા સામે કોંગ્રેસ એટલી નિષ્ક્રિય દેખાઈ રહી છે.જો આવીને આવી જ નિષ્ક્રિયતા રહી તો આ વખતની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની જશે.

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી જીતવાની રણનીતિના ભાગ રૂપે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે અમિત શાહ પેટર્ન અપનાવી છે.કોંગ્રેસના વર્ષો જુના સાથીદાર અને ગરુડેશ્વર વિસ્તારના દિગગજ કોંગ્રેસી કાર્યકર રવિદાસ ભીલને ભાજપ પ્રવેશ કરાવ્યો છે.ગરુડેશ્વર તાલુકાના ખડગડા જિલ્લા પંચાયત કોંગ્રેસી સભ્ય રવિદાસ ભીલનો ભાજપ પ્રવેશ થતા જિલ્લા પંચાયતની સાથે સાથે તાલુકા પંચાયત પર ભાજપને ફાયદો થશે, કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યનો ભાજપ પ્રવેશ થતા નર્મદા જિલ્લા કોંગ્રેસ ઊંઘતી ઝડપાઈ છે.

(7:11 pm IST)