Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગાંધીનગરના ભાઈજીપુરા નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે પણ ગાંધીનગર કોબા હાઈવે ઉપર ભાઈજીપુરા પાટીયા પાસે કારની અડફેટે બાઈક સવાર બે યુવાનો આવ્યા હતા જે પૈકી એકનું મોત નીપજયું હતું. ઘટનાની મળતી વિગતો પ્રમાણે મુળ બીહારના ચમનીયા ગામે રહેતા રાજેશ રામસાગર ઠાકુર અને શિવશંકર ઠાકુર અમદાવાદના ચાંદલોડીયા ખાતે છેલ્લા ઘણા સમયથી રહે છે અને ફર્નિચરનું કામ કરે છે. આ બન્ને યુવાનો ગઈકાલે તેમના શેઠનું બાઈક લઈને ગાંધીનગરના રાયસણ ખાતે ફર્નિચરનું કામ કરવા માટે આવ્યા હતા. કામ પૂરુ કરીને રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ તેઓ બાઈક લઈને અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. આ જ સમયે ભાઈજીપુરા ચાર રસ્તા પાસે જીજે-૧૮-બીસી-ર૬૧૯ નંબરની કારના ચાલકે આ યુવાનોના બાઈકને ટક્કર મારતાં બન્ને જમીન ઉપર પછડાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાં દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બન્નેને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડયા હતા. જયાં શિવશંકરની હાલત લથડતાં તેણે અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં ઈન્ફોસીટી પોલીસની ટીમ સિવિલ પહોંચી હતી અને રાજેશ ઠાકુરની ફરિયાદના આધારે કારચાલક સરગાસણમાં રહેતા સુનિલકુમાર વ્યાસ સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી. 

(5:50 pm IST)