Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમદાવાદમાં દંપત્તિ વચ્‍ચે તકરાર થતા ઉશ્‍કેરાયેલી પત્‍નીએ પોતાના વોટ્‍સએપ સ્‍ટેટસમાં પતિની ગર્લફ્રેન્‍ડનો ફોટો મુકીને બિભત્‍સ લખાણ લખ્‍યુ

અમદાવાદ: દંપતી વચ્ચે તકરાર થતા ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પતિની ગર્લફ્રેન્ડનો ફોટો મૂકી બિભસ્ત લખાણ લખ્યું હતું. આ બનાવ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર રહેતી અને વસ્ત્રાપુરમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતી 29 વર્ષીય કાજલે (નામ બદલ્યું છે) સોલા પોલીસ સ્ટેશનમાં તેના મિત્ર અંકિતની પત્ની આકાંક્ષા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાજલના મિત્ર અંકિતને તેની પત્ની આકાંક્ષા સાથે કૌટુબીક તકરાર થઈ હતી. જેના પગલે આ અંગે આકાંક્ષાએ તેના પતિ વિરુદ્ધ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી. આ તકરારને પગલે આકાંક્ષા અવારનવાર કાજલ, તેની મમ્મી અને ફિયાન્સના મોબાઈલ ફોન પર બિભસ્ત મેસેજો કરી પરેશાન કરતી હતી.

ગત તા.12-10-2018થી આકાંક્ષા ગંદી અને બિભસ્ત ભાષામાં કાજલ, તેની માતા અને ફિયાન્સના મોબાઈલ પર મેસેજ કરી હેરાન કરતી હતી. જ્યારે પણ ફોન અને મેસેજ આવે, ત્યારે કાજલ બ્લોક કરતી હતી.

ગત તા 4-12-2020ના રોજ આકાંક્ષાએ તેના પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ પર કાજલનો ફોટો મૂકી તેની પર કાજલના નામ જોગ બિભસ્ત ભાષામાં મેસેજ કર્યો હતો. ગત તા.16-12-2020ના રોજ કાજલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આકાંક્ષાએ તેના ઈન્સ્ટાગ્રામ આઈડીથી બિભસ્ત ભાષામાં મેસેજો કરેલા હતા.

આ બનાવને પગલે કાજલે આકાંક્ષા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:24 pm IST)