Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમદાવાદમાં સરકારી હોસ્‍પિટલ સોલા સિવિલ સહિત 287 જેટલી ખાનગી હોસ્‍પિટલોમાં ફાયર એનઓસી જ નથી

અમદાવાદ: શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ આવી જ અન્ય એક ઘટના રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બની હતી. જેની નોંધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે લીધી હતી અને હોસ્પિટલોને ફાયર NOCને લઈને કડક આદેશ કર્યા હતા.

કોર્ટે પોતાના તરફથી જારી આદેશમાં હોસ્પિટલોને આગામી 4 સપ્તાહની અંદર ફાયર NOC લેવા માટે કહ્યું હતું. કોર્ટનું કહેવું છે કે, કોરોનાની સારવાર કરી રહેલી જે હોસ્પિટલોએ ફાયર NOC નથી લીધી, તે તાત્કાલીક ચાર અઠવાડિયામાં ફાયર NOC લઈને લે. કોર્ટે આદેશ આપ્યો હતો કે, જો ચાર સપ્તાહમાં જે હોસ્પિટલ ફાયર NOC ના લે, તો રાજ્ય સરકાર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે.

આ દરમિયાન અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશને હોસ્પિટલોમાં ફાયર એનઓસીને લઈને ચોંકવનારા આંકડા જાહેર કર્યાં છે. AMCના જણાવ્યા મુજબ, શહેરમાં સરકારી હોસ્પિટલ સોલા સિવિલ સહિત 287 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર NOC જ નથી. આટલું જ નહીં AMC દ્વારા આવી હોસ્પિટલોનું લિસ્ટ જાહેર કર્યું છે.

આ અંગે ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, ફાયર NOC હશે અને ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલ સ્ટાફને તાલીમ તેમને ફાયર સિસ્ટમ કાર્યરત નહીં હોય અને આગ લાગવાથી જાનહાનિ થશે, તો જે-તે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે.

AMC દ્વારા ફાયર NOC વિનાની હોસ્પિટલોનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તેમાં સૌથી વધુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે. ખાસ કરીને SG હાઈવે, થલતેજ, સોલા, ઘાટલોડિયા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોની લગભગ 100 જેટલી હોસ્પિટલો એવી છે, જેમની પાસે ફાયર NOC નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની પાસે પણ ફાયર NOC નથી. AMC દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટની નીચે નોંધ પણ લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, શહેરની 287 હોસ્પિટલો પાસે ફાયર એન..સી નથી. આવી હોસ્પિટલોને તાત્કાલિક ફાયર NOC લેવા માટેની જાણ કરવામાં આવી છે. તેમજ જ્યાં સુધી ફાયર NOC ના મેળવવા આવે, ત્યાં સુધી નવા દર્દીઓને દાખલ નહીં કરવા પણ જણાવાયું છે.

(5:22 pm IST)