Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આવતા નવા વર્ષમાં ફલાવર પ્રિન્‍ટ-ફલેર્સ ટ્રેક જેકેટ્‍સ-શેડસ ઓફ પિંક સીહતના ફેશનેબલ વષો ધુમ મચાવશે

અમદાવાદઃ 2021 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ફેશન પંડિતોએ પણ આવનાર ટ્રેન્ડની આગાહી કરી દીધી છે. અનેક ફેશનગુરુઓએ 2021માં કઈ સ્ટાઈલના કપડા માર્કેટમાં ધુમ મચાવશે અને લોકોના પંસદીતા બની જશે તે અંગે મંતવ્ય આપ્યું છે. જોકે ફેશન પંડિતોનું માનવું છે કે, દર 10 વર્ષે ફેશન રિપિટ થાય છે અને તે પણ નવા રંગરૂપ સાથે માર્કેટમાં આવતી હોય છે અને એ જ ટ્રેન્ડ પણ બની જાય છે. તો આવનાર વર્ષની તૈયારી માટે ફેશનપરસ્ત માનુનીઓએ અત્યારથી શરૂ કરી દીધી છે. 2021ના વર્ષમાં છવાઈ જવા વોર્ડરોબ અપડેટ કરવાની શરૂઆત કરી દીધી છે. 2021માં નીચે જણાવેલી કેટલીક જૂની સ્ટાઇલ ફેશનની દુનિયામાં છવાયેલી રહેશે. જો તમે પણ તમારા વોર્ડરોબને અપડેટ કરવાના હોય તો ચોક્કસથી જાણે કે 2021માં ઓલટાઈમ હિટ કઈ સ્ટાઈલ બનશે.

ફ્લાવર પ્રિન્ટ

ફ્લાવર પ્રિન્ટના વનપીસ એમ તો લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ આવનાર વર્ષમાં પણ આ પ્રિન્ટ ખુબ જ લોકપ્રિય બની રહેશે. તો તમે જો આ ડિઝાઈનના કપડા વોર્ડરોબમાંથી કાઢવાનો હોય તો રોકાઈ જજો. અને જો ફ્લાવર પ્રિન્ટનું વનપીસ ન હોય તો ચોક્કસથી ખરીદી લેજો. જોકે ફ્લાવર પ્રિન્ટ માત્ર વનપીસમાં જ નહી પરંતુ લહેંગામાં પણ ધુમ મચાવશે. જો આવતા વર્ષે ઘરમાં લગ્ન હોય તો ફ્લાવર પ્રિન્ટેડ લહેંગા લેવાનું ચુકતા નહી.

ફ્લેર્સ

ફ્લેરવાળાં કપડાંની ફેશન 70ના દાયકામાં બહુ લોકપ્રિય બની હતી. આ ફેશન હવે ફરીથી ચર્ચામાં છે. ફ્લેરવાળાં ટ્રાઉઝર ફેશનિસ્ટા યુવતીઓની પહેલી પસંદ બની રહ્યા છે. જોકે ફ્લેર સ્લિવના કપડા પણ ખુબ જ ચલણમાં છે. દરેક યુવતી પોતાના વોર્ડરોબમાં ફ્લેરવાળાં બેલબોટમની એક જોડી અને ફ્લેર સ્લિવનું ટોપ કે કુર્તી હોય એવું ઇચ્છે છે. ફ્લેર સ્ટાઇલનું ડ્રેસિંગ યુવતીઓની પહેલી પસંદ બની ગયું છે. અને આવનાર વર્ષમાં પણ આ સ્ટાઈલ ખુબ ધુમ મચાવશે.

ટ્રેક જેકેટ્સ

સ્ટાઇલિશ ટ્રેક જેકેટ્સ સેલિબ્રિટીઝથી લઈ સામાન્ય લોકોમાં ખુબ જ લોકપ્રિય થયું છે. દેશ-વિદેશના અનેક ફેશનગુરુઓ ટ્રેક જેકેટ્સને 2021નો સૌથી સ્ટાઇલિશ ટ્રેન્ડ જાહેર કર્યો છે. તો  ટોચની ફેશન કંપનીઓએ ટ્રેક જેકેટ્સનું આગવું કલેક્શન લોન્ચ કર્યું છે. જોકે સેલિબ્રિટીઓ આ જેકેટ્સને એરપોર્ટ લુક માટે વધારે ઉપયોગ કરી રહી છે અને તેમને જોઈ લોકો પણ ટ્રેક જેકેટ્સને પસંદ કરતા થયા છે. જોકે આકલેક્શન મોંઘુંદાટ હોવા છતાં વેચાઇ જાય છે. કંઇક અલગ અને સ્ટાઇલિશ પહેરવાની શોખીન યુવતીઓ ટ્રેક જેકેટ્સ સાથે પેન્સિલ સ્કર્ટનું કોમ્બિનેશન પસંદ કરી રહી છે. આમ, તમારા વોર્ડરોબમાં ટ્રેક જેકેટ્સ પણ હોવા જ જોઇએ.

શેડ્સ ઓફ પિંક

જોકે આ તો ફેશન અને સ્ટાઈલની વાત થઈ રહી છે. પરંતુ આવનાર વર્ષમાં પિંક કલર પણ ફેશન બની રહેશે.

ગુલાબી રંગના અનેક શેડ્સ માર્કેટમાં જોવા મળે છે.જોકે પહેલાના સમયમાં ગુલાબી કલરને માત્ર યુવતીઓ સાથે જોડવામાં આવતો હતો પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. ફેશન પંડિતોએ આ રંગને 2021નો ન્યૂ એજ રંગ જાહેર કર્યો છે. દરેક ફેશન કંપનીઓએ પોતાનું પિંક કલેક્શન લોન્ચ કર્યું છે. એટલે કે, યુવક હોય કે યુવતી બધા માટે ઉપલબ્ધ છે ગુલાબી રંગના શર્ટ, ટી-શર્ટ, ગાઉન, ટોપ, ડ્રેસ અને ટ્રાઉઝર. એટલુ જ નહી ગુલાબી રંગના શુ પણ માર્કેટમાં આવતા વર્ષે ધુમ મચાવશે. ગુલાબી રંગના અનેક શેડ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે અને ગુલાબી રંગ એવો છે કે તે દરેક વય જૂથ અને રંગરૂપ ખુબ જ સરસ લાગે છે. અનેક શેડ્સ હોવાને લીધે તમે તમારા ત્વચાના શેડ પ્રમાણે યોગ્ય શેડની પસંદગી કરીને કપડા પહેરશો તો અલગ જ તરી આવશો. સમર 2021માં સ્ટાઇલિશ પિંક ચોક્કસપણે ફેશનની દુનિયામાં છવાઇ જશે. ફેશન ડિઝાઇનર્સ ગુલાબી અને લાલ રંગના કોમ્બિનેશનને સૌથી ખાસ માની રહ્યા છે. હવે તો પાર્ટીની સીઝન શરૂ થઇ ગઇ છે. તેથી પ્રસંગ અનુસાર આવા ડ્રેસ પહેરવાનો ચાન્સ પણ મળશે.

બ્રાલેટ સ્ટાઇલ

બ્રાલેટ સ્ટાઇલ જોકે કેટલાય સમયથી ચાલી રહી છે. પરંતુ ખાસ કરીને આ વર્ષે આ સ્ટાઈલે માર્કેટમાં ધુમ મચાવી. જોકે કોરોનાને કારણે મુશ્કેલી તો પડી જ. કારણ કે આ સ્ટાઈલના બ્લાઉઝ લોકો ખાસ પ્રસંગ કે પાર્ટી વગર પહેરતા નથી એટલે આ સ્ટાઈલ પહેરવાની લોકોની ઈચ્છા તો અધુરી જ રહી ગઈ. એટલે આવનાર વર્ષમાં આ બ્લાઉઝ લોકલ માર્કેટમાં પણ ધુમ મચાવશેજો તમારે પ્રસંગમાં પરંપરાગત સાડી પહેરીને પણ બોલ્ડ લાગવું હોય તો સાડી સાથે તમે બ્રાલેટ સ્ટાઇલના બ્લાઉઝ પહેરી શકો છો. બ્રાલેટ 2021માં સૌથી હેપનિંગ ટ્રેન્ડ હશે. આ સ્ટાઇલમાં મોતી વર્ક, મિરર વર્ક, પેચવર્ક દ્વારા ડેકોરેટ કરેલું બ્લાઉઝ તમે પ્લેન કે ડિઝાઇનર સાડી સાથે પહેરી શકો છો. સાડીથી લઈને લેહેંગા ચોલીમાં આ બ્લાઉઝ માનુનીઓને ખુબ આકર્ષી રહ્યું છે.

મીની સ્કર્ટ

એમ તો સ્કર્ટ વર્ષોથી યુવતીઓના હોટ ફેવરિટ રહ્યાં છે. પ્રસંગ પ્રમાણે આ સ્કર્ટની સાઈઝ, પેટર્ન અને મટિરીયલ બદલાય છે. મીની સ્કર્ટ હંમેશા ફેશન પરસ્ત યુવતીઓનાં ફેવરિટ રહ્યાં છે. 2021માં મીની સ્કર્ટની ફેશન ફરીથી જમાવટ કરવાની છે. આ મીની સ્કર્ટ અનેક ડિઝાઇનર્સના ફેવરિટ બની ગયા છે કારણે  સેક્સી લુકની સાથે આ મીની સ્કર્ટ પ્લેનથી માંડીને પ્રિન્ટેડ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. માનુનીઓ પોતાની પર્સનાલિટી અને જરૂરિયાત પ્રમાણે પોતાની પસંદગીનું મીની સ્કર્ટ પસંદ કરી છે. જોકે મીની સ્કર્ટ પહેરવા માટે તમારું ફિગર સપ્રમાણ હોવું જોઇએ. જો શરીર પર ચરબીના થર હશે તો મીની સ્કર્ટમાં નહી શોભે. મીની સ્કર્ટ પહેરતી વખતે નીચે એના માટે ખાસ ડિઝાઇન કરેલા ઇનરવેર પહેરવા જોઇએ જેથી માલફંક્શનની સમસ્યા ન સર્જાય. અને સ્ટોકિંગ્સ પણ પહેરી શકાય છે.

વેલવેટ લહેંગા

વેલવેટ લંહેગાએ ફરી માર્કેટમાં એન્ટ્રી લીધી છે. લગ્ન પ્રસંગમાં યુવતી વેલવેટના લહેંગા અને ચોલીને વધારે પસંદ કરી છે. અને આ જ ટ્રેન્ડ આવનાર વર્ષમાં પણ રહેશે. વેલવેટ કોઈપણ કલરને અલગ જ નીખાર આપે છે અને તેની પર પેચ વર્ક, એમ્બ્રોયડરી કર્યું હોય તો અલગ જ દેખાઈ આવે છે. વેલવેટની શાઈનિંગ પણ કોઈનું પણ ધ્યાન ખેંચે તેવી હોય છે. જેથી પ્રસંગોમાં દુલ્હન હોય કે તેની બહેનપણી હોય તમામ યુવતીઓ વેલવેટની દિવાની થઈ જશે. હવે તો વેલવેટની સાડીઓ પણ મહિલાઓને ખુબ પસંદ આવી રહી છે. એટલે જો તમારા વોર્ડરોબમાં વેલવેટ સાડી કે લંહેગા હોય તો તેને નવો રંગરૂપ આપી આવતા વર્ષે પ્રસંગમાં ચોક્કસથી પહેરજો અને જો વેલવેટ ન હોય તો લેવાનું ભુલતા નહી.

(5:32 pm IST)