Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક હોદ્દો મળશે : સીઆર પાટીલ

ભાજપના હોદ્દેદારો અને નેતાઓની પણ ઉંઘ ઉડી : મેરિટના આધારે પદ આપવામાં આવશે, કોઈ પ્રકારનો સગાવાદ કે પરિવારવાદ હવે ચલાવી લેવામાં નહીં આવે

વડોદરા તા.૨૧ : પક્ષમાં કડક શિક્ષક તરીકે અને સખત નિર્ણય લેવાની છાપ ધરાવતા સીઆર પાટીલ ગુજરાત ભાજપની કમાન સંભાળ્યા બાદ સતત ચર્ચામાં રહે છે. પોતાના વિવિધ નિવેદનો અને નિર્ણયોથી સીઆર પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ અચરજ પમાડતા રહ્યાં છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે સીઆર પાટીલનું વધુ એક એવું નિવેદન સામે આવ્યું જેણે હાલ કોંગ્રેસની સાથો-સાથ ભાજપના હોદ્દેદારો અને નેતાઓની પણ ઉંઘ ઉડાડી દીધી છે. વડોદરામાં ભાજપ કાર્યલયમાં સંગઠનની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને આગમી દિવસોમાં આવનારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની રણનીતિ અને તે અંગેના આગામી એજન્ડા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કાર્યકરોને કહી દીધું કે, હવે ભાજપમાં એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે. સીઆર પાટીલે કાર્યકરોને જણાવ્યુંકે, હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે.

જે સંગઠનનો હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. વડોદરા ભાજપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે તેઓ ટિકિટ માટે મહેનત ના કરે. પાટીલના આ નિવેદનથી ભાજપના ટિકિટ વાંચ્છુક નેતાઓ અને હોદ્દેદારોનું સપનું રોળાયું છે. પાટીલે આ એક નિવેદનથી એક કાંકરે બે નિશાન તાકયા છે. એક તરફ પાટીલે પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદના નિવેદનો મુદ્દે કોંગ્રેસની બોલતી બંધ કરી દીધી છે. બીજી તરફ પાટીલે ગુજરાત ભાજપના નેતાઓ અને હોદ્દેદારોને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છેકે, અહીં મેરિટના આધારે જ પદ આપવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારનો સગાવાદ કે પરિવારવાદ ચલાવી લેવામાં નહીં આવે. આ અગાઉ સીઆર પાટીલે વડોદરા ખાતેની મુલાકાત દરમિયાન લવ જેહાદ અંગે કાયદાનું સમર્થન કર્યું હતું. સીઆર પાટીલે જણાવ્યું હતુંકે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવો જરૂરી છે. દિકરીઓને ભોળવવાનો પ્રયાસ થાય તે કયારે પણ સાંખી શકાય નહી. દિકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલાં લેવાવા જરૂરી છે.

(11:29 am IST)