Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ગુજરાતમાં હવે GBS નામના રોગની એન્ટ્રી : ૩૦થી વધુ કેસ નોંધાયા

ગુલિયન બેરે સિન્ડ્રોમની શરૂઆત પગમાં દુખાવા અને નબળાઈ સાથે થઈ શકે : બેસીને ઊઠવામાં મુશ્કેલી પડે છે ત્યારબાદ બંને પગ, હાથ અને ચહેરામાં આ રોગ આગળ વધી શકે : દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે

અમદાવાદ તા. ૨૧ : કોરોના બાદ વધુ એક ઘાતક બીમારી મ્યુકોર્માઇકોસિસે એન્ટ્રી મારી છે. જેના કારણે અત્યાર સુધીમાં ૭ દર્દીઓએ આંખ ગુમાવી છે. પોસ્ટકોવિડ બાદ ૧૫ નવેમ્બરથી મ્યુકોર્માઇકોસિસ થવાના કેસ સામે આવ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં ગુલીયન બેરે સિમ્ડ્રોમ નામના રોગના દર્દીઓ વધ્યા છે. ઞ્ગ્લ્ રોગથી નર્વ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. અત્યાર સુધી ગુજરાતમાં ૩૦થી વધુ કેસ સામે આવ્યા છે.

ગુલિયન બેરે સિન્ડ્રોમ એવો વિકાર છે, જેમાં દર્દીના શરીરમાં પહેલા સિહરન અથવા દર્દ થવા લાગે છે અને પછી ત્યારબાદ તેની સ્નાયુઓ કમજોર થવા લાગી છે. લક્ષણ જાણ થતા જ સારવાર ન થવા પર બ્રીધિંગ મસલ્સ પણ કમજોર થઇ જાય છે. અનેક વખત દર્દીને લકવા પણ થઇ જાય છે.ગુલિયન બેરે સિન્ડ્રોમની શરૂઆત પગમાં દુખાવા અને નબળાઈ સાથે થઈ શકે છે. તેમાં મુખ્યત્વે બેસીને ઊઠવામાં મુશ્કેલી પડે છે ત્યારબાદ બંને પગ, હાથ અને ચહેરામાં આ રોગ આગળ વધી શકે છે. દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.દર્દી ચાલવામાં તકલીફ થવાની શરૂઆત થયા બાદ કેટલાક દિવસોમાં દર્દી પથારીવશ થઈ જાય છે. હાથ-પગનુ હલનચલન બંધ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ વધે છે. ૧-૨ અઠવાડિયાં સુધી તકલીફો વધતી રહે છે જયારબાદ દર્દીની પરિસ્થિતિમાં ૧-૨ અઠવાડિયાં સુધી સ્થિરતા આવે છે. ત્યારબાદ સુધાર આવે છે.

જો કોઈ દર્દી ચાલી ન શકે, હાથ-પગમાં નબળાઈ અનુભવે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, તો તેણે તાત્કાલિક ડોકટરની સલાહ લઇને સારવાર મેળવવાની જરૂર છે. આ પ્રકારના દર્દીઓમાં જ્ઞાનતંતુઓ સક્રિય થવાનું ફરી શરૂ ન કરે ત્યાં સુધી શ્વાસ લેવા માટે વેન્ટિલેટર કે મશીન પર લેવાની જરૂર પડી શકે છે. સાધારણ રીતે રિકવરી સારી હોય છે, પરંતુ તેમાં ૩થી ૬ મહિના લાગી શકે છે અથવા જ્ઞાનતંતુઓને થયેલા નુકસાનને આધારે વર્ષ પણ લાગી શકે છે.આ રોગનું નિદાન નૈદાનિક પરીક્ષણ, નર્વ કંડકશન સ્ટડી, મણકાના પાણીનો ટેસ્ટ,અન્ય કારણો અને એન્ટિબોડી પરીક્ષણો ન કરવા લોહીનું પરીક્ષણ કરીને થાય છે.

મ્યુકોર્માઇકોસિસના દર્દીઓ ૧૫ નવેમ્બરથી વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં ૭ દર્દીઓએ પોતાની આંખ ગુમાવી છે. એક મહિનામાં મ્યુકોર્માઇકોસિસના ૨૦ કેસ નોંધાયા છે. ડોકટરો જણાવી રહ્યા છે કે, મ્યુકોર્માઇકોસિસ કોરોનાથી પણ ઘાતક બીમારી છે. જો નાક, આંખ, કાનમાં તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી.

(11:28 am IST)