Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ખેડાના સંધાણા નજીક પોલીસે બાતમીના આધારે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપ્યું: 8ની અટકાયત

અમદાવાદ :આરઆરસેલ અને ખેડા જિલ્લા એલસીબી પોલીસના દરોડામાં સંધાણા ગામેથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું છે. મેજીક જેક અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી કેટલાક લોકો અમેરીકા અને કેનેડાના લોકો સાથે ચીટીંગનો ધંધો કરતા હતા. કૌભાંડ વધારે લાબું ચાલે તે પહેલા જ પોલીસની નજરમાં ચઢી ગયું, અને ૮ આરોપીઓ પોલીસની ઝપેટે ચઢી ગયા. જો કે હિંમતનગરમાં રહેતા મુખ્ય ભેજાબાજ સહિત ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ઘરી છે.

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ખેડાના સંધાણા ગામે સમ્રાટ હોટલની પાછળના ભાગે આવેલ ખાનગી માલિકીના ફાર્મ હાઉસમાં વહેલી સવારે અમદાવાદ આરઆરસેલ અને ખેડા એલ.સી.બીએ રેડ કરી હતી. પોલીસે રેડ કરતા ફાર્મ હાઉસમાં આવેલ સ્વિમીંગ પુલની બાજુની રૂમમાં કેટલાક લોકો વાતચીત કરતા હોવાનો અવાજ પોલીસને સંભળાયો હતો. જેથી પોલીસે રૂમની અંદર પ્રવેશ કરી જોતા ૪ ટેબલ પર ૪ અધતન કોમ્પ્યૂટર ગોઠવેલા મળી આવ્યા હતા. તેમજ કેટલાક ઇસમો મોબાઇલ પર વાતો કરતા નજરે પડતા પોલીસે તમામની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં બહાર આવ્યું હતું કે મુળ અમદાવાદના પાચકુવાનો રહેવાસી મુનાફ શેખ હિંમતનગરના કોઇ આર.કે નામના વ્યક્તિ સાથે મળી આ જગ્યા પર કોલ સેન્ટર ચલાવતો હતો. જેઓએ ગાંધીનગર અને કેરાલાથી ફાકડુ અંગ્રેજી બોલી શકે તેવા યુવાનોને નોકરી પર રાખી ઇન્ટરનેશનલ ચીટીંગનો ધંધો શરૂ કર્યો હતો.આ યુવાનો ઇન્ટરનેટ કનેક્શન અને મેજીક જેક નામની વસ્તુનો ઉપયોગ કરી અમેરીકા અને કેનેડા જેવા દેશોના લોકોને ફોન કરતા હતા. જે બાદ પોતે ‘કેશનેટ’ કંપનીમાંથી બોલે છે તેમ કહી લોન આપવાની લોભામણી વાતો કરતા હતા. અને જો કોઇ વિદેશી લોન લેવાની લાલચમાં આવી જાય તો તેમના નામ, સરનામા, બેંક એકાઉન્ટ નંબરો સાથેની વિગતો હિંમતનગરના આરકે નામની વ્યક્તિ પાસેથી મેળવી ૧૦૦ થી ૧૫૦ ડોલર જેટલી રકમના ‘આઇટ્યુન કાર્ડ’ ખરીદાવી તેના ડેટા અમદાવાદના સલમાન નામના વ્યક્તિ સુધી પહોચાડી દેવાતા હતા. જે બાદ સલમાન નામના વ્યક્તિ હવાલા તેમજ અન્ય માધ્યમથી રૂપિયા ભારતમાં ટ્રાન્સફર કરાવતો હતો. ફાર્મ હાઉમસાં બેસી સમગ્ર કોલ સેન્ટરનું સંચાલન કરી રહેલા આઠ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

(6:45 pm IST)