Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

પોઈચા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું

આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લેતા ગ્રામજનો


(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આદિવાસી બાહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ - રથયાત્રા  ગામેગામ ભ્રમણ કરી રહી છે.આજે નાંદોદ તાલુકાના પોઈચા ગ્રામપંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગામની મહિલાઓ- ગ્રામજનોએ કંકુતિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
  આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.
  સરકારની અનેકવિધ યોજનાઓ પૈકીની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે ખેડૂતો માટે મદદરૂપ સાબિત થઈ છે. ખેડૂતોની આવક વધારવા તેમજ બિયારણ અને દવાઓની ખરીદી માટે આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ યોજના થકી ખેડૂતના કુટુંબને રૂપિયા છ હજાર ખેડૂત ખાતેદારને આપી સહાયરૂપ થાય છે.    આ વેળાએ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી મહેન્દ્રભાઈ બારીયા જણાવે છે કે, હું ખેડૂતપુત્ર છું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મને લાભ મળ્યો છે. મારા ખાતામાં વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય સમયસર જમા થાય છે. આ સહાય મારી આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે ખુબ મહત્વપૂર્ણ છે. સહાયની રકમથી હું ખેતીવિષયક કામોમાં તેનો સદઉપયોગ કરુ છું.
   આ કાર્યક્રમ વેળાએ સરકારની અનેકવિધ યોજનાઓ થકી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે તલાટી રીનાબેન વસાવા એ સરપંચ ઉષાબેન પટેલને અભિલેખા પત્ર અર્પણ કર્યું હતું.
   આ તકે આંગણવાડી કાર્યકર બહેનોએ લાભાર્થી સગર્ભા-ધાત્રી માતા-બહેનોને (ટેક હોમ રેશન) પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કર્યુ હતું. ગામમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ ગ્રામજનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. કાર્યક્રમ બાદ સરકારની ડ્રોન ટેક્નોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે સંબંધિત વિભાગના કર્મયોગીઓએ ખેડૂતમિત્રોને ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા

 

(10:02 pm IST)