Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

રેશનકાર્ડ જેવા મામૂલી કામ માટે રાજપીપળા મામલતદાર કચેરીમાં ૧૦૦ વર્ષના વૃધ્ધાને ધક્કે ચઢાવ્યા..?!

સરકાર વૃધ્ધ લોકો માટે ઘરે ઘરે પહોંચી આધારકાર્ડ સહિતની કામગીરી કરાવે છે ત્યારે ૧૦૦ વર્ષીય વૃધ્ધાને કેમ કચેરી સુધી બોલાવાયા:કલાકો રાહ જોઈ ભોઈ તળિયે ઓટલા પર સુઈ રહેલા આ વૃદ્ધા પર કોઈજ અધિકારીને દયા નાં આવી..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી મામલતદાર કચેરીમાં એક આધેડ ઉંમરનાં માજી નીચે ઓટલા પર સૂતેલા જોઈ આવતા જતાં દરેકનાં મનમાં સવાલ ઉઠ્યા હતા ત્યારબાદ અમારા પ્રતિનિધિને આ વાતની જાણ થતાં ત્યાં પહોંચી તપાસ કરી તો આ ૧૦૦ વર્ષ કરતા વધુ ઉંમરનાં આ વૃદ્ધાને રેશનકાર્ડનાં કામ માટે પુરવઠા વિભાગ દ્વારા બોલાવવામાં આવ્યા હતા 

 તેમના પુત્રીનાં જણાવ્યા મુજબ આ તેમના માતા નાનીબેન ડાહ્યાભાઇ પરમાર (રહે,ભદામ તા. નાદોદ જી.નર્મદા )ના હોવાનું જણાવ્યું અને તેમનું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોવાથી ડુપ્લીકેટ કાર્ડ બનાવવા તેમને મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા માટે તેમના દિકરી તેમને અહીંયા લઈને આવ્યા પરંતુ તેમની વધુ ઉંમરનાં કારણે તેમનાથી બેસી શકાતું ન હોવાથી તેઓ નીચેની કચેરીનાં ગેટ બહાર જ સુઈ રહ્યા છે અને તેમને કચેરીમાં બોલાવે તેની રાહ જોતા છે.ત્યારે આ વૃધ્ધ માતાની હાલત જોઈ ત્યાં હાજર સૌ ચોંકી ઉઠ્યા હતા અને તંત્રને આવી મનમાની પર રોષ વ્યક્ત કર્યો હતો.
  આમ તો સરકાર મોટી ઉંમરનાં લોકો હેરાન નાં થાય એ માટે જે તે જવાબદાર કર્મચારી લાભાર્થીનાં ઘરે જઈને આધારકાર્ડ સહિતની કામગીરી કરવા જણાવે છે અને ઘણા કિસ્સામાં નર્મદા જિલ્લમાં આવી સરાહનીય કામગીરી થઇ પણ છે છતાં આ અશક્ત અને ૧૦૦ વર્ષ કરતા મોટી ઉંમરનાં વૃધ્ધાને કેમ કચેરીમાં બોલાવાયા તેવા સવાલ ઉઠ્યા છે. શું જે તે વિભાગના અધિકારીની માનવતા મરી પરવારી છે. ? એલાવાયું જીવન જીવતા આ વૃદ્ધ ને મદદરૂપ થવા કેમ કોઈજ સામે નાં આવ્યું .?
તેવા સવાલો સાથે અમે પુરવઠા કચેરીના નાયબ મામલતદારનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કચેરીમાં હાજર નહિ મળતાં તેમના સ્ટાફ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે રેશનકાર્ડ ખોવાઈ ગયું હતું અને ડુપ્લીકેટ બનાવવાનું હોવાથી માજીને અહીંયા બોલાવ્યા હતા.તો શું આ કામગીરી આ માજીનાં ઘરે જઈને કચેરીના કર્મચારીઓ કે અન્ય કોઈ એજન્સીનાં માણસો કરી નાં શકે..? જોકે અમારા પ્રતિનિધિને ત્યાં પહોંચેલા જોઈ કચેરીનાં સ્ટાફે ફટાફટ આ વૃધ્ધાની કામગીરી પૂર્ણ કરી ડુપ્લીકેટ કાર્ડ બનાવી આપ્યું હતું.

(9:58 pm IST)