Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

નર્મદા જિલ્લામાં દિવ્યાંગજનો માટે રાહત થાય તેવા સાધનો માટે મૂલ્યાંકન શિબિર યોજાશે

ડિસેમ્બર મહિનામાં નાંદોદ તાલુકાનો તા.૦૫મી, દેડીયાપાડા અને સાગબારા તાલુકાનો તા. ૦૬ ઠ્ઠી અને ગરુડેશ્વર-તિલકવાડા તાલુકાના દિવ્યાંગજનો માટે તા. ૦૭મીના રોજ કેમ્પ યોજાશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ હસ્તકના આર્ટિફિશિયલ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન દ્વારા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા કચેરી-નર્મદાના સહયોગથી નર્મદા જિલ્લામાં ત્રણ દિવસ દિવ્યાંગજનો માટે રાહત થાય તેવા સાધનો માટે મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. તમામ પાંચ તાલુકાના દિવ્યાંગજનો ભાગ લઈ શકે તે હેતુ સાથે આ કેમ્પ યોજાનાર છે. જેથી કેમ્પના સ્થળ તથા સમયે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો હાજર રહીને લાભ લઈ શકશે.
 નર્મદા જિલ્લામાં આગામી ડિસેમ્બર મહિનામાં ત્રણ દિવસ અલગ-અલગ સ્થળે આ શિબિર યોજાશે. જેમાં સૌપ્રથમ નાંદોદ તાલુકામાં તારીખ ૦૫મી ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૯-૦૦ કલાકે સરકારી મુક-બધિર શાળા, નરસિંહ ટેકરી-રાજપીપળા ખાતે યોજાશે. ત્યારબાદ દેડીયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગજનો માટે તારીખ ૦૬ ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ સવારના ૯-૦૦ કલાકે બી.આર.સી. ભવન, કુમાર છાત્રાલયની પાછળ, દેડીયાપાડા ખાતે આ કેમ્પ યોજાશે. જ્યારે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગજનો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નવા વાઘપુરા, તા.ગરુડેશ્વર ખાતે તારીખ ૦૭મી ડિસેમ્બર,૨૦૨૩ના રોજ સવારે ૯-૦૦ કલાકે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેમ્પમાં સહભાગી થવા ઈચ્છુક દિવ્યાંગજનો પોતાની સાથે આધારકાર્ડની નકલ, દિવ્યાંગતાનું સિવિલ સર્જનનું ડોક્ટરી સર્ટીની નકલ, આવકનો દાખલો જેમાં વાર્ષિક આવકની મર્યાદા રૂપિયા ૧.૮૦ લાખ અથવા બીપીએલનો દાખલો અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે.આ મૂલ્યાંકન શિબિર બાદ જે દિવ્યાંગજનોને સાધન સહાય મળવા પાત્ર હશે તેવા દિવ્યાંગ લાભાર્થીઓ માટે આ કેમ્પ બાદ બીજો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાશે. તેમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-નર્મદા એ જણાવ્યું છે.

 

(9:55 pm IST)