Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સાધ્વીઓના રિમાન્ડ દરમિયાન લાપતા યુવતીઓના મુકામની માહિતી મેળવવા પોલીસ ટીમની પ્રાયોરીટી રહેશેઃ કે.ટી.કામરીયા

વિજયભાઇ રૂપાણી અને પ્રદિપસિંહ જાડેજાએ તપાસની તમામ વિગતો અમદાવાદ એસપી આર.વી.અસારી પાસેથી મેળવી બાળકોને કયા ચોક્કસ રૂમમાં બંધક બનાવેલા તે બાબત સહિતની માહિતીે સંદર્ભે પૂછપરછનો ધમધમાટ

રાજકોટ, તા., ર૧: સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ અમદાવાદ નજીક આવેલ હીરાપુર ગામ પાસેના સ્વામી નિત્યાનંદમના સર્વાગી પીઠ આશ્રમમાં બાળકો અને બે યુવતીઓને બંધક બનાવવાના ચકચારી મામલામાં સ્વામીજીના ખાસંમખાસ મનાતા સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળની વિશેષ ટીમના ડીવાયએસપી કે.ટી.કામરીયા તથા સમીર સારડા ટીમે ધરપકડ બાદ અદાલતમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડ પર મેળવવા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉકત બાબતે મુખ્ય તપાસનીસ ડીવાયએસપી કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રીમાન્ડ દરમિયાન જે બાબતો બહાર લાવવા પ્રયત્નો ચાલે છે તેમાં ગુરૂકુળ કોના માર્ગદર્શનમાં ચાલે છે. મુખ્ય સંચાલક કોણ? તેઓએ જણાવેલ કે ગુરૂકુળના રેકોર્ડ રજીસ્ટ્રેશનની વિગતો પણ મેળવવાની બાકી છે.

તેઓએ વિશેષમાં જણાવેલ કે આશ્રમના સંચાલીકા પ્રાણપ્રિયા બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પ્રાથમિક બાબતોની માહીતી  આપતા નથી. તપાસના કામે આ બધી બાબતો ખુબ જ જરૂરી છે.

ડીવાયએસપી કે.ટી.કામરીયાએ વિશેષમાં જણાવેલ કે બાળકો પાસે બાળમજુરી કરાવી આધ્યાત્મીકના નામે બંધક બનાવી  તેમની ઇચ્છા વિરૂધ્ધ કોઇ રૂમમાં અથવા મકાનમાં બંધક બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાથી તેમના પુરાવા માટે રીમાન્ડ દરમિયાન વિશેષ વિગતો સાથે આરોપી બહેનોનો કોઇ ગુન્હાહીત ઇતિહાસ  છે કે કેમ તે બાબતો પણ રીમાન્ડ દરમિયાન બહાર લાવવામાં આવશે.

દરમિયાન વિડીયો કોલ પર લાપતા યુવતીઓ દ્વારા થતી વાતચીતની વિગતો અને તેઓના સ્થાન અને સ્થળ સહીતની વિગતો એફએસએલ અને સાયબર ક્રાઇમની સાથોસાથ આરોપી સાધ્વીઓ પાસેથી મેળવવામાં આવનાર હોવાનું બહાર આવ્યું છે.

અત્રે યાદ રહે કે વિદેશમાં રહેલા સ્વામી નિત્યાનંદમનો કબ્જો મેળવવા અને તેમને પ્રત્યાર્પણથી તપાસના કામે ગુજરાત લાવવા ડીજીપી શિવાનંદ ઝા અને સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાની મદદ પણ તપાસ ટીમે લીધાનું સુત્રો જણાવે છે.

(12:06 pm IST)