Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ચાલુ વાહને ફોન ઉપર વાત કરવાનું ખતરનાકઃ રાજયમાં મૃત્યુની સંખ્યામાં ૨૧૭ ગણો વધારો

૨૦૧૮માં ડ્રાઇવ કરતી વખતે ફોન પર વાતચીત કરતાં ૧૮૭ લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદ, તા.૨૧: ગુજરાત સહિત દેશભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. લોકો ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે અમલ કરે તે માટે હાલમાં ટ્રાફિકના દંડમાં પણ વધારો કરાયો છે. ત્યારે ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ડ્રાઈવ કરતા સમયે ફોન પર વાત કરવાથી ૧૮૭ લોકોના અકસ્માતમાં મોત થઈ ગયા. આ જાનહાની વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૦ ટકાથી પણ વધારે છે. વર્ષ ૨૦૧૭માં ૫૯ અને ૨૦૧૬માં ૫૪ લોકોએ ડ્રાઈવ કરતા સમયે ફોન પર વાત કરવામાં જીવ ગુમાવ્યો હતો.

ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી થનારા અકસ્માતોની સંખ્યામાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. વર્ષ ૨૦૧૮માં ફોન પર વાત કરવાથી ધ્યાન ભંગ થવાના કારણે ૪૬૦ અકસ્માતોની ઘટના બની હતી. જેમાં મૃત્યુની દ્યટનાનો આંકડો કુલ અકસ્માતના ૪૦ ટકા થાય છે. જે રેડ સિગ્નલ તોડવા (૨૯%) અથવા રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવા (૩૭%)થી અકસ્માતમાં થતા મૃત્યુથી પણ વધારે છે.

રોડ સેફટી એકસપર્ટ અમિત ખત્રીએ જણાવ્યું, ડ્રાઈવ કરતા સમયે ફોન પર વાત કરવો જીવલેણ છે. ફોન પર વાત કરતા સમયે દ્યણા ડ્રાઈવર્સ એક હાથમાં ફોન હોવાથી એક હાથે સ્ટીયરિંગ મેનેજ કરે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે જયારે ડ્રાઈવર્સ ફોનમાં ગૂંચવાયેલા હોય છે ત્યારે તેઓ અણધારી રીતે વાહન ચલાવીને લેન બદલતા હોય છે.

અમદાવાદ ટ્રાફિક સલાહકાર કમીટિના મેમ્બર ડો. પ્રવીણ કાનાબાર કહે છે, અકસ્માતના આ જે આંકડા સામે આવ્યા છે તે માત્ર ઉપરની વાસ્તવિકતા છે. ફોન પર વાત કરતા સમયે થયેલા અકસ્માતના દ્યણા કિસ્સાઓમાં સમાધાન થવાથી અથવા તો પોલીસને અકસ્માતનું સાચું કારણ ખબર ન હોવાના કારણે સામે આવી શકતા નથી.

(11:37 am IST)