Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ગુજરાત રમખાણ પીડિતોને ૪૨૯ કરોડનું વળતર ચુકવાયું: કેન્દ્ર સરકારે રાજયસભામાં આપી માહિતિ

જાહેર વ્યવસ્થા અને પોલીસએ રાજયનો વિષયઃ કેન્દ્ર

નવી દિલ્હી, તા.૨૧: ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા કોમી રમખાણનો ભોગ બનેલા પીડિતોને કુલ ૪૨૯.૪૬ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાની માહિતી કેન્દ્ર સરકારે લેખિતમાં રાજય સભામાં આપી હતી.

સાંસદ હુસૈન દલવી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી, જેઓ જાણવા માગતા હતા કે શું તે વાતમાં તથ્ય છે કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણ દરમિયાન ૨ હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક કેસ એવા હતા જેને બ્લોક કરી દેવાયા હતા તો કેટલાક કેસ એવા હતા જેને બંધ જ કરી દેવાયા હતા અને જયારે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં દરમિયાનગીરી કરી તો થોડા કેસને રિઓપન કરાયા અને તેને કોર્ટની દેખરેખવાળી વિશેષ તપાસ ટીમો હેઠળ રાખવામાં આવ્યા હતા.

શું સરકારે ગુજરાતમાં થયેલા કોમી રમખાણના કેસોને ફરીથી ખોલવા અંગે વિચાર્યું છે કે કેમ તે અંગેની માહિતી પણ સાંસદે માગી હતી. સાથે જ રમખાણ દરમિયાન મૃત્યુ પામેલા લોકોની સંખ્યા, રમખાણ દરમિયાન મહિલા પર થયેલા અત્યાચાર તેમજ પીડિતો અને તેમના પરિવારને આપેલા વળતર અને પુનર્વસવાટની વિગતો પણ માગી હતી.

આ તમામ પ્રશ્નોનો જવાબ કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી જી. કિશન રેડ્ડીએ લેખિતમાં આપ્યો હતો અને કહ્યું હતું કે જાહેર વ્યવસ્થા અને પોલીસ એ રાજયનો વિષય છે.

'કોમી રમખાણોનો ઉકેલ, ગુનાઓની તપાસ અને ફરિયાદ, પીડિતોને રાહત, વળતર અને પુનર્વસવાટ પૂરું પાડવું અને આ સંદર્ભે સંબંધિત ડેટા જાળવવા સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટેની સંપૂર્ણ જવાબદારી જે-તે રાજયના સરકારની હોય છે અને આ કેસમાં ગુજરાત સરકારની છે', તેમ મંત્રીએ જવાબ આપ્યો.

પોતાના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, ૨૨મી માર્ચ, ૨૦૦૭ના રોજ કેન્દ્ર સરકારે ૨૦૦૨માં થયેલા કોમી રમખાણના પીડિતોને વળતર અને પુનર્વસવાટ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી. 'ગુજરાત સરકારને ૨૦૦૭ અને ૨૦૧૧ દરમિયાન પાંચ હપ્તામાં કુલ ૪૨૯.૪૬ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી', તેમ મંત્રીએ કહ્યું.

(11:37 am IST)