Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અમદાવાદમાં ૯ વર્ષમાં દારૂની પરમીટ મેળવવામાં પુરૂષોની સંખ્યા ઘટી પણ સામે મહિલાઓની સંખ્યામાં તોતિંગ વધારો

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી છે

અમદાવાદ, તા.૨૧: મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી છે ત્યારે ચોંકાવનારી વાત એછેકે, પુરૂષો જ નહીં,મહિલાઓ પણ દારૂની બંધાણી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા નવેક વર્ષમાં ૫૨૯ મહિલાઓએ દારૂની પરમીટ મેળવી છે. આરોગ્યના કારણોસર મહિલાઓ દારૂની પરમીટ મેળવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડે આરોગ્યના કારણોને ધ્યાનમાં રાખીને મહિલાઓને પરમીટ આપી છે.

ગુજરાતમાં દારૂની પરમીટ મેળવવી હોય તો સિવિલમાં મેડિકલ બોર્ડ સમક્ષ અરજદારની આરોગ્યની ચકાસણીના અંતે લીલીઝંડી અપાય છે. પરમીટ રૂ.૧૦ હજાર રોગી કલ્યાણ સમિતીમાં ફી પેેટે ચૂકવવા પડે છે. એક માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ ૨૫૦૦ પુરૂષો દારૂની પરમીટની મજૂરી મેળવે છે જયારે સરેરાશ ૬૦ મહિલાઓ દારૂની પરમીટ મેળવે છે.

પુરૂષોની વાત કરીએ તો, છેલ્લા નવેક વર્ષમાં ૨૧ હજારથી વધુ પુરૂષો દારૂની પરમીટ મેળવી છે. આરટીઆઇ હેઠળ મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી વર્ષ ૨૦૧૦માં ૫૦, વર્ષ ૨૦૧૧માં ૮૫, વર્ષ ૨૦૧૨માં ૮૫, વર્ષ ૨૦૧૩માં ૫૪, વર્ષ ૨૦૧૪માં ૩૪, વર્ષ ૨૦૧૫માં ૫૩, વર્ષ ૨૦૧૬માં ૬૮ અને ૨૦૧૭માં ૯૭ મહિલાઓએ દારૂની પરમીટ મેળવી હતી.વર્ષ ૨૦૧૮ના માત્ર ત્રણ મહિનામાં ૨૬ મહિલાઓએ દારૂની પરમીટ મેળવી હતી. આમ,મેડિકલ ગ્રાઉન્ડ પર મહિલાઓ દારૂની પરમીટ મેળવી રહી છે જેની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

(9:43 am IST)