Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરતના પાલીગામમાં બોગસ વ્યક્તિના આધારે શ્રમજીવીને 6 લાખના પ્લોટ પધરાવી દેનાર વિરુદ્ધ તપાસ શરૂ

સુરત:પાલીગામમાં રહેતા શ્રમજીવીને પાલી ગામનાં બે પ્લોટ બોગસ વ્યકિત ઉભા કરી તેમની માલિકીનાં હોવાનું જણાવી તેમના બોગસ દસ્તાવેજોનાં આધારે વેંચી રૂા.૬.૪૨ લાખ પડાવનાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૂળ યુ.પી.જોનપુરનો વતની અને સુરતમાં સચીન જીઆઈડીસી પાલીગામ કૈલાશનગર પ્લોટ નં.રર૯માં રહેતા ૩પ વર્ષિય અરવિંદ રાજેન્દ્ર પ્રસાદ મૌર્ય લૂમ્સનાં કારખાનામાં નોકરી કરે છે. છ વર્ષ અગાઉ જમીન દલાલીનું કામ કરતા મૂળ યુ.પી.નાં અને સુરતમાં ભેસ્તાનમાં રહેતા ક્રિષ્ના નન્હેભાઈ દૂબે પાસેથી અરવિંદે સચીન જીઆઈડીસી  પાલીગામ સર્વે નં.૩૭/૧માં બ્લોક નં.૪પમાં આવેલી ગોપાલવાડા સોસાયટીનાં પ્લોટ નં.૭ અને ૭૬ રૂા.૬.૪૨ લાખમાં ખરીદ્યા હતા.

બંને પ્લોટનાં સાટાખત તેના માલિક દિવ્યેશ હસમુખલાલ માવાવાલા અને પ્રેમલ શાંતિલાલ નોટીસવાલાએ ક્રિષ્નાની હાજરીમાં કરી આપ્યા હતા. જોકે, બાદમાં તે સ્થળે જ દ્વારકાધીશ સોસાયટીનાં પ્લોટીંગ માટે કાર્યવાહી થતી હોય અરવિંદે તપાસ કરતા જણાવા મળ્યું હતું કે ક્રિષ્નાએ બોગસ વ્યક્તિ ઉભા કરી બોગસ દસ્તાવેજોનાં આધારે બોગસ સાટાખત બનાવી પૈસા પડાવી લીધા છે. તે સમયે ક્રિષ્ના પણ જેલમાં હતો.

ક્રિષ્ના જેલમાંથી છૂટતા અરવિંદે પોતાના પૈસા પરત માંગ્યા હતા પરંતુ ક્રિષ્નાએ વાયદા કર્યા બાદ પણ પૈસા આપ્યા ન હતા. આથી છેવટે ગતરોજ અરવિંદે ક્રિષ્ના દૂબે, દિવ્યેશ માવાવાલા અને પ્રેમલ નોટીસવાલા નામ ધારણા કરનાર ક્રિષ્નાનાં  બે મળતીયાઓ વિરૂધ્ધ સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં છેતરિપંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પી.આઈ. બી.જી.વસાવા કરી રહ્યા છે.

(6:27 pm IST)