Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરતમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને પોલીસે લાપતા ૧૯ છોકરીઓનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ

યજ્ઞેશ ભરત મહેતા, સુરતઃ રવિવારે બપોરે ઉધનામાં કેટલાં લોકોને ત્રણ વર્ષની એક માસૂમ બાળકી મળી આવી હતી. તેની સાથે કોઈ ન દેખાતા લોકો તેને પોલીસ ચોકી લઈ આવ્યા હતા. તે બોલી ન શકતી હોવાથી પોલીસ માટે તેના મા-બાપનો પતો મેળવવો મુશ્કેલ હતો. પોલીસે તેનો ફોટો કેટલાંક વ્હોટ્સએપ ગૃપ પર મોકલ્યો જેમાં પોલીસ મિત્રો અને બાજનજર ધરાવતા રસ્તા પરના ફેરિયાઓનો પણ સમાવેશ થાય છે. છોકરી જે વિસ્તારમાં મળી આવી તે નજીક પેટ્રોલિંગ ટીમ પણ તેનાત કરવામાં આવી હતી. કોઈએ પોલીસને ફોન કરીને છોકરીના પિતા અંગે જાણ કરી અને આ રીતે છોકરીના પરિવારનો પતો મળી ગયો. પોલીસ ત્યાર બાદ દિવ્યાંશીને તેના ઘરે તેના પિતા વિકાસ કદમ પાસે લઈ ગઈ હતી.

બીજા એક કેસમાં સાત વર્ષની છોકરી સમીરાના માતા-પિતાએ બાળકી ગુમ હોવાની લિંબાયત પોલીસ સ્ટેશનમાં રવિવારે સાંજે ફરિયાદ કરી હતી. સિનિયર અધિકારીઓને એલર્ટ કર્યા બાદ પોલીસે છોકરીને શોધવા સોશિયલ મીડિયા ડ્રાઈવ શરૂ કરી હતી અને 30 જ મિનિટમાં છોકરીનો પતો મળી ગયો હતો. સુરત પોલીસે છેલ્લા એક મહિનામાં 19 છોકરીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. આમાંથી 17 કેસમાં મા-બાપને એ પણ ખબર નહતી કે તેમની દીકરી ઘરથી દૂર જતી રહી છે.

સુરતમાં તાજેતરમાં જ કિડનેપિંગ અને રેપના કિસ્સા વધી જતા શહેરની પોલીસે આવા ગુના રોકવા માટે વધુ સતર્કતાથી કામ કરવાનું નક્કી કર્યું છે. સોશિયલ મીડિયામાં તે મહત્તમ વ્હોટ્સએપ પર ગુમ બાળકોના ફોટા શેર કરે છે અને પેટ્રોલિંગ ટીમ કેસ જે વિસ્તારમાં રિપોર્ટ થયો હોય તે વિસ્તારમાં સતત તપાસ કરતી રહે છે.

શહેરના પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું, “અમે આવા કેસ ક્રેક કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ અમારા ચાઈલ્ડ વેલફેર ઑફિસર પણ આ ઘટના બને તે વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરતા હોય છે. અમે 17 છોકરીઓના માતા-પિતાને શોધી કાઢ્યા હતા અને તેમને ખ્યાલ પણ નહતો કે તેમની દીકરી ગુમ થઈ છે. બાળકો પેટ્રોલિંગ ટીમે શોધી કાઢ્યા હતા અને મા-બાપને સોંપ્યા હતા.”

(5:46 pm IST)