Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૧ કરોડથી વધુ અપ્રમાણસરની મિલ્કતો એસીબીને પ્રથમ તબક્કે જ મળીઃ વિશેષ શોધખોળ ચાલુ

ભુજના નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફીસરે સતાનો દુરૂપયોગ કરી જંગી મિલ્કતો વસાવી : કેશવકુમારના માર્ગદર્શનમાં સીબીઆઇ સ્ટાઇલથી તમામ છટકબારીઓ બંધ કરવાનો ત્રિપાંખીયો જંગ આગળ વધ્યોઃ આસી. ડાયરેકટર કૃષ્ણકુમારસિંહ ગોહીલે સફળતાની હેટ્રીક નોંધાવી

રાજકોટ, તા., ૨૧: એસીબી વડા કેશવકુમાર દ્વારા પોતાના સીબીઆઇના બહોળા અનુભવ આધારે એસીબીમાં સીબીઆઇ સ્ટાઇલથી સ્ટાફને તાલીમ આપી  ત્રિપાંખીયો જંગ લાંચીયાઓ સામે જે રીતે શરૂ કર્યો છે તેને વધુ એક વખત સફળતા મળવા સાથે ભુજના બોર્ડર રેન્જના એસીબીના  મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે સફળતાની વધુ એક હેટ્રીક નોંધાવી છે.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ભુજના નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફીસર રાણાભાઇ આહીર તા.૧-૧-ર૦૦૦ થી ૩૧-૩-ર૦૧રના સમયગાળામાં પોતાના હોદાનો દુરપયોગ કરી મોટા પ્રમાણમાં ગેરકાયદે અવેજ મેળવી પોતાના તથા આશ્રીત પરિવારોને નામે અપ્રમાણસરની સ્થાવર જંગમ મિલ્કત વસાવેલ સભ્યના નામે કુલ ૧ કરોડ ૯૭ લાખ ૯૯ હજાર ૩રર નું રોકાણ કરેલ. જેમાં આવક કરતા વધુ અપ્રમાણસરની  મિલ્કતનો આંક પ્રથમ તબક્કે જ ૧ કરોડને વટાવી ગયો હોવાનું આ કામના સુપરવીઝન  અધિકારી  અને ભુજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. તેમના માર્ગદર્શનમાં આ તપાસ કચ્છ પશ્ચિમ એસીબી પોલીસ સ્ટેશન ભુજના પીઆઇ એમ.ડી.ઝાલા વધુ મિલ્કતો શોધવા સક્રિય બન્યા છે.

એસીબીમાં મોટા મગરમચ્છોને ચોતરફથી ભરડો લેવા ચાલતા જંગમાં આ રીતે વધુ એક ગુન્હો અપ્રમાણસર મિલ્કતનો બહાર આવતા જ ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.વી.પરગડુએ ગુન્હો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન વધુ અપ્રમાણસર મિલ્કતો મળે તેવી શકયતા એસીબી વર્તુળો સેવી રહયા છે.

(4:29 pm IST)