Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સોનુ-દિપુ નામના બે સગા ભાઇઓની ચિટર ગેંગે ૩ માસમાં ૨૦ લોકોને શીશામાં ઉતાર્યા

મદદ કરવાના બહાને પીન નંબર મેળવી, ગેંગ એટીએમ કાર્ડ બદલી લેતી : ડીસીપી ડો. હર્ષદ પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ એસઓજીને વધુ એક સફળતા

રાજકોટ, તા., ર૧: અમદાવાદમાં  એટીએમમાંથી પૈસા ઉપાડવા તથા ભરવામાં મદદ કરવાના બહાને અશિક્ષીત તથા ભોળા લોકોને ભોળવતી ગેંગને અમદાવાદના એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલના માર્ગદર્શનમાં ઝડપી લઇ તેની સઘન પુછપરછ કરતા આ ગેંગે છેલ્લા ૩ માસમાં ૨૦ લોકો સાથે છેતરપીંડી કરી અઢી લાખથી વધુ રકમની છેતરપીંડી કરી હોવાનું ખુલવા પામેલ છે. હજુ વધુ રકમ તથા વિશેષ  લોકો ફરીયાદ કરવા આગળ આવે તેવી સંભાવના છે.

અત્રે યાદ રહે કે અમદાવાદ એસઓજી  પોલીસે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના કુબેરનગર, પુષ્પાનગર ખાતે રહેતા સુરેન્દ્ર ઉર્ફે સોનુ બીજેન્દ્રસિંહ ઠાકુર અને તેના ભાઇ દિપક ઉર્ફે દુર્ગેશ ઠાકુર તથા એક કિશોરને એસબીઆઇના ૪ એટીએમ કાર્ડ સાથે ઝડપી લેતા આ ગેંગે પોપટ મારફત કબુલાત કરી હતી.

એસઓજી ટીમની વિશેષ પુછપરછમાં  આરોપીએ મેઘાણીનગર, રામેશ્વર ચોકી પાસે આવેલા સ્ટેટ બેંકના એટીએમ તથા અસારવા સિવિલ હોસ્પીટલના ગેઇટ પાસેથી અજાણી મહિલાને એટીએમમાં પૈસા ઉપાડવાના બહાને પીન નંબર જાણી અને તેનું એટીએમ કાર્ડ પણ બદલી લીધું હતું. ભોગ બનેલા લોકોને આગળ આવવા ડીસીપી ડો. હર્ષદ પટેલે અપીલ કરી છે.

અત્રે યાદ રહે કે ડીસીપી ડો.હર્ષદ પટેલે  એસઓજી ક્રાઇમ બ્રાન્ચમાં ચાર્જ લીધા બાદ તુર્ત જ પોતાના રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકેના બહોળા અનુભવ તથા વિવિધ જગ્યાએ ફરજ બજાવી ગુન્હેગારોની  નાડ પારખવામાં સફળતા મેળવી હતી.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચમાં મિલ્કત વિરોધી ગુન્હાઓ શોધી કાઢવા સાથે યુવા પેઢીને બરબાદ કરતા કેફી અને નશાકારક પદાર્થો સાથે સંકળાયેલી ગેંગને શોધી કાઢી  પોલીસ કમિશ્નરની પ્રશંસા મેળવી હતી.

(3:42 pm IST)