Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદ પ્રદૂષણના ભરડામાં : ઘરની બહાર નીકળતા જ ગંભીર બીમારીઓને આમંત્રણ

પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ખરાબ સ્થિતિમાં : રાજ્યમાં ૩૨% લોકોને શ્વાસની બીમારી થવાની શકયતા પ્રબળ

અમદાવાદ તા. ૨૧ : જે મિનિટે તમે ઘરની બહાર પગ મુકો છો કે તે જ ક્ષણે હવમાં તરતા ગંભીર બીમારી માટે જવાબદાર પ્રદૂષીત કણો, વાહનના ધુમાડાના તત્વો, બંધાતા બિલ્ડિંગ અને રોડના રજકણો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી હવામાં ભળતા ઝેરી તત્વો તમને ઘેરી વળે છે. આજે વિશ્વ જયારે પ્રદૂષણ સામે લડવાના ભાગરુપે ક્રોનિક ઓબ્સ્ટ્રકિટવ પલ્મનરી ડિઝીઝ(COPD) ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમદાવાદની સ્થિતિ શું છે તે અંગે શહેરના નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

શહેરના જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો. તુષાર પટેલ કહે છે કે, 'ગુજરાત અને અમદાવાદમાં આ સીઝન જ ફેંફસાને લગતા રોગની સીઝન છે કેમ કે દિવાળી પછી આ ઋતુમાં પ્રદૂષણનું સ્તર ખૂબ વધારે હોય છે. જોકે એક દશકા પહેલા આ રોગના દર્દીઓની જે સંખ્યા હતી તમે હવે ખૂબ વધારો થયો છે આ આંકડો જ આપણા માટે ચેતવણી સમાન છે.'

ભારત વિશ્વાના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરો પૈકી ૧૪ શહેરોનું ઘર છે. જેના કારણે વધતું પ્રદૂષણ કેન્સર જેવા રોગના દર્દીઓની સંખ્યા વધારી રહ્યું છે. સાથે સાથે હૃદય રોગ અને ડાયાબિટિઝના દર્દીઓની સંખ્યામાં પણ વધારો કરી રહ્યું છે. નિષ્ણાંતો મુજબ પ્રદૂષિત હવાના કારણે કેન્સરની શકયતા ૩.૩% વધી જાય છે. જયારે ફેફસાના કેન્સરની શકયતા તો ૪૩% જેટલી વધી જાય છે.

ગુજરાત ડિઝીઝ બર્ડર પ્રોફાઇલના ૧૯૯૦થી ૨૦૧૬ સુધીના ડેટાના અભ્યાસથી જાણવા મળે છે કે રાજયના ૩૨% લોકો શ્વસનની સમસ્યાના રિસ્ક સામે જજૂમી રહ્યા છે. જયારે તેના બાદ બીજા નંબરે ટીબી અને ફેફસાને લગતા રોગ આવે છે. આ રોગના કારણે લોકોનું એકંદર આયુષ્ય પણ ઓછું  થઈ રહ્યું છે. ગુજરાતમાં જેટલા લોકોને સિગરેટ પીવાથી ખરતો નથી તેના કરતા વધારે નાગરીકો પ્રદૂષણના કારણે કેન્સર જેવા રોગોનો સામનો કરી રહ્યા છે.

ફકત બહાર રસ્તા પરના પોલ્યુશનના કારણે જ નહીં પણ ઘરમાં થતું પોલ્યુશન પણ ૧૯% ગુજરાતીઓને થતા ફેફસાજન્ય રોગો માટે જવાબદાર છે. જેમાં રસોઈ બનાવવા માટે રાંધણગેસ અથવા કિલન કૂકિંગની વ્યવસ્થાનો અભાવ પણ સામેલ છે. તો ૧૫% લોકો એવા છે જેઓ પોતાના વેપાર-ધંધાના કારણે આવા પ્રદૂષણ સામે જજૂમી રહ્યા છે. ગુજરાતમાં એર પોલ્યુશનનું પ્રમાણ એટલી હદે ખરાબ સ્તર પર છે કે મૃત્યુ અને ડિસએબિલિટીના કિસ્સામાં ત્રીજું મોટું કારણ એર પોલ્યુશન છે.

(3:41 pm IST)