Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

માતા પિતાની સાનિધ્યમાં નાનપણમાં પડેલા સંસ્કારો જીવન પર્યંત ટકી રહેછે :માધવપ્રિયદાસજી સ્વામી

એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ સ્નેહ મિલન અને માતૃપિતૃ વંદનાનો હ્રદયગમ્ય કાર્યક્રમ

રાજકોટ તા. ૨૧ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદની શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ સ્નેહમિલન અને માતૃપિતૃ વંદના કાર્યક્રમ પ્રસંગે ગુરુુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાજી સ્વામી પધારતા ગુરુકુલ સંચાલક શા. ધર્મવત્સલદાસજી સ્વામી તથા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સ્વામીજીનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.

    આ પ્રસંગે રાજકોટના અગ્રગણ્ય ડો.વલ્લભભાઇ કથીરીયા, દિલીપભાઇ પટેલ, જયંતીભાઇ કાલરિયા, શંભુભાઇ પરસાણા, શામજીભાઇ ખૂંટ, મેઘજીભાઇ વીરાણી, દિનેશ ભીમાણી, હંસરાજભાઇ ધામી, પરશોત્તમભાઇ બોડા, જયેશભાઇ સોરઠીયા તેમજ  રાજકોટ વિસ્તારના એસજીવીપી ગુરુકુલ અમદાવાદ અને રીબડા ગુરુકુલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ રાજકોટ, ગુંદાસરા, રીબ, વાવડી, ખોખડદડ, શાપર, વેરાવળ વગેરે ગામોમાંથી ૧૫૦૦ ઉપરાંત બહેનો ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.

   સંતો અને મહેમાનોના સ્વાગત બાદ બાળકો દ્વારા માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ભૂદેવો દ્વારા મંગળ વેદગાન સાથે, તમામ બાળકો પોતાના માતા પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતા પિતાના ચરણ ધોઇ, તેનું આચમન કર્યા બાદ ભાલે ચંદનથી અર્ચા કરી પૂજન કરેલ ત્યાર બાદ બાળકોએ માતા પિતાની આરતિ ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા ત્યારે ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત અને ભાવવાહી હતું.

   આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે ભારતના તમામ ધર્મો માતા પિતા પ્રત્યે આદરભાવ શીખવાડે છે. આપણા વેદોએ પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ - માતાપિતાને દેવ માની તેમના પ્રત્યે આદરભાવ રાખવાનું કહે છે.

   ભગવાને આપણને જે જીવન આપેલ છે તે અણમોલ છે. જીવન બાહ્ય શણગારોથી શોભતું નથી પણ સદગુણોથી શોભે છે. માતા પિતાની સાનિધ્યમાં નાનપણમાં પડેલા સંસ્કારો જીવન પર્યંત ટકી રહે છે.

      સમગ્ર ભારત વર્ષ સામાજિક સમરસતાના સૂત્રથી બંધાયેલ રહો, એજ આજના મંગળ દિવસે  પ્રાર્થના કરીએ છીએ.

દરેકના હ્રદયમાં ભગવાન બેઠા છે. આપણે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ કરવો જોઇએ. આજે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે પ્રેમની સરવાણી સુકાતી હોય તેવું જણાય છે. દરેકના હ્રદયમાં સ્નેહની સરવાણી ચાલુ રહે એજ આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત કહ્યા હતા.

     આ પ્રસંગે હાસ્ય કલાકર શાહબુદ્દિનભાઇ રાઠોડ માતૃપિતૃ વંદનાનો હ્રદયગમ્ય કાર્યક્રમ નિહાળી અત્યત રાજી થયા હતા ને જણાવ્યું હતું બાળકોને ગુરુકુલમાં આ સંસ્કારસભર શિક્ષણ અપાઇ રહેલ છે તે પ્રત્યક્ષ નિહાળી સંસ્થાના સંચાલકોના ચરણમાં મારું મસ્તક નમી જાય છે. અહીંનું લીલોતરીથી સભર પરિસર જોઇ અત્યંત આનંદ થાય છે.

ત્યારપછી તેઓએ પોતાના વતન થાન અને વિદેશ પ્રવાસના હાસ્ય સભર પ્રસંગોનું વર્ણન કરી શ્રોતાના પેટ પકડીને હસાવ્યા હતા. સભાનું સંચાલન ભકિતવેદાંત સ્વામીએ સંભાળ્યું હતું. સભામાં ઉપસ્થિત તમામ ભકતોને પ્રસાદની વ્યવસ્થા હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી તથા પરશોત્તમભાઇ બોડાએ સંભાળી હતું.

 

(1:01 pm IST)