Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૩૨ વર્ષે પણ પ્‍યુનની પોસ્‍ટ માટે ક્‍યા ચંપાબેન સાચા, તે નક્કી નથી કરી શકી સરકાર

એક જગ્‍યા અને બે ઉમેદવાર, બંને કહે છે હું સાચી : પડોશમાં રહેતી બંને મહિલાનું નામ એક સરખુ

અમદાવાદ તા. ૨૧ : એક પ્‍યુનની જગ્‍યા અને એક જ સરખું નામ ધરાવતા બે પડોશી વચ્‍ચે વિવાદ છેલ્લા ૩૨ વર્ષથી જેમનો તેમ ચાલી રહ્યો છે પણ તેનો ઉકેલ આવતો નથી. આ કિસ્‍સમાં એક ચંપાબેનનો આરોપ છે કે તેમના જેવું જ નામ ધરાવતા પડોશી ચંપા બેને તેમનો કોલ લેટર મેળવી પ્‍યુનની જોબ પોતાની પાસે સેરવી લીધી છે જયારે હકીતમાં પોતે તેની હકદાર છે.

અજીબોગરીબ આ ઘટના ૧૯૮૬માં બની હતી જયારે રાજય સરકારના ફોટો રજિસ્‍ટ્રી વિભાગમાં પ્‍યુનની પોસ્‍ટ માટે ચંપા એસ. રાણાના નામનો કોલ લેટર ઇશ્‍યુ કરવામાં આવ્‍યો ત્‍યારે ચંપાબેન-૧(કન્‍ફયુઝન ટાળવા અહીં આપણે ૧ અને ૧ નંબર આપી દેશું) પોતાના ડોક્‍યુમેન્‍ટ સાથે ઇન્‍ટર્વ્‍યુમાં હાજર રહ્યા હતા. જેના આધારે તેમને આ જોબ આપવામાં આવી હતી. જે બાદ એક વર્ષ પછી ચંપા એસ રાણા નામને અન્‍ય મહિલા (જેને આપણે ચંપા-૨ કહીશું) વિભાગ પાસે પહોંચી અને ફરીયાદ કરતા જણાવ્‍યું કે સાચી ચંપા પોતે છે, ચંપા-૧ નહીં.

ચંપા-૨એ આરોપ લગાવ્‍યો કે ચંપા-૧ અમદાવાદમાં આવેલ હિરાલાલની ચાલીમાં તેમની પડોશમાં જ રહે છે. બંનેના નામ એક સરખા હોવાથી તેના નામે આવેલ કોલ લેટર ભૂલથી ચંપા-૧ના ઘરે પહોંચી ગયો હતો. જે બાદ તેણે પોતાની જગ્‍યાએ આ ઇન્‍ટર્વ્‍યુમાં હાજરી આપી હતી અને નોકરી શરૂ કરી દીધી હતી. જે બાદ ડિપાર્ટમેન્‍ટ દ્વારા તાત્‍કાલીક અસરથી ચંપા-૧ને તેમની જોબ પરથી છુટ્ટા કરી દેવામાં આવ્‍યો હતા. તેથી ચંપા-૧ ૧૯૮૯માં હાઈકોર્ટમાં પહોંચ્‍યા હતા અને જણાવ્‍યું કે જે ચંપાબેનનો ઉલ્લેખ કોલ લેટરમાં છે તે સાચા ઉમેદવાર પોતે જ છે.

સમગ્ર કિસ્‍સમાં ગુજરાત હાઈકોર્ટે તપાસ કરવા માટે જણાવી ૧૩ વર્ષ માટે ચંપા-૧ની નોકરીને સુરક્ષિત બનાવી દીધી હતી. જે બાદ ૨૦૦૨માં ગુજરાત હાઈકોર્ટ ફાઇનલી રાજય સરકારને આ વિવાદ ઉકેલવા માટે કહ્યું હતું. તે જ વર્ષે વિભાગ દ્વારા માધવપુરા પોલીસ સ્‍ટેશનમાં ચંપા-૧ સામે નકલી ડોક્‍યુમેન્‍ટ ઉભા કરવા, સરકારી કર્મચારીની નકલી ઓળખ ઉભી કરવી જેવા આરોપો સાથે એફઆઇઆર દાખલ કરાવી હતી. તેમજ વિભાગના બે અધિકારી સામે પણ ચંપા-૧ને જોબ આપવા માટે ષડયંત્રની ફરિયાદ દાખલ કરી હતી. જોકે તેની તપાસ ચાલુ હતી ત્‍યારે જ એક અધિકારીનું મૃત્‍યું થયું હતું. જયારે અન્‍ય અધિકારી સામે કાર્યવાહી કરવા માટે સરકારને મંજૂરી મળી નહોતી જેથી તેમના પર લગાવવામાં આવેલ આરોપમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા હતા.

સમગ્ર કેસમાં ખરો ટ્‍વિસ્‍ટ તો ત્‍યારે આવ્‍યો જયારે મેટ્રોલપોલિટન કોર્ટમાં આ કેસની કાર્યવાહી શરૂ થઈ ત્‍યારે કોર્ટે ચંપા-૧ની નોકરી યથાવત રાખતા જણાવ્‍યું કે તેણે સફળતાપૂર્વક ઇન્‍ટર્વ્‍યું પાસ કર્યો છે અને સરકારે માગ્‍યા હતા તે તમામ સાચા ડોક્‍યુમેન્‍ટ પૂરા પાડ્‍યા છે. તેથી તેમની સામે ખોટી ઓળખ ઉભો કરવાનો કેસ બનતો નથી જણાવીને ૩૦ ઓક્‍ટોબરના રોજ ચંપા-૧ને નિર્દોષ છોડ્‍યા હતા. જોકે કોર્ટે અવલોકન કર્યુ હતું કે સરકારી અધિકારીઓએ ઉમેદવારોનો ડોક્‍યુમેન્‍ટ્‍સ ખૂબ સાવધાની પૂર્વક ચેક કરવા જોઈએ. કેમ કે ચંપા નામ ભલે એક સરખા હોય પરંતુ બંને વ્‍યક્‍તિની બર્થ ડેટમાં ઘણો ફરક છે. ચંપા-૧નો જન્‍મ ૧૯૫૪માં છે જયારે ચંપા-૨નો જન્‍મ-૧૯૬૨માં છે. તેમજ સરકારે ૧૮૯૮માં જ ચંપા-૧ સામે કેસ ચલાવવા પરમિશન આપી હતી તો પછી એફઆઇઆર ૧૩ વર્ષ પછી કેમ કરવામાં આવી.

(12:28 pm IST)