Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અંકલેશ્વર જીઆઈડીસીમાંથી બે વર્ષ પહેલા બાઈક ચોરી ફરાર આરોપી છોટાઉદેપુરથી ઝડપાયો

અંકલેશ્વર જીઆઇડીસી માંથી બે વર્ષ પૂર્વે મોટર સાઇકલ ચોરી કરી ફરાર યુવકને છોટાઉદેપુરની પાનવડ પોલીસે ઝડપી પાડ્યો હતો. જરૂરી દસ્તાવેજી પુરાવા માગતા યુવકે સંતોષકારક જવાબ નહિ આપતા આકરી પૂછપરછમાં અંકલેશ્વરમાંથી બાઈક ની ચોરી કરી હોવાની કબૂલાત કરતા જીઆઇડીસી પોલીસે કબ્જે મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

   મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના પાનવડ ખાતે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે જી.જે.15 બી.બી 9703 સાથે શંકાસ્પદ હિલચાલ કરતા યુવાન વિજય ગોવિંદ રાઠવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસે રહેલી મોટર સાઇકલના જરૂરી આધાર પુરાવા માંગતા યુવાન ઉડાઉ જવાબ આપવા લાગ્યો હતો. જેની શંકાના આધારે અટકાયત કરી આકરી પૂછપરછ કરતા મોટર સાઇકલ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું.

  પોલીસે બાઈકની તપાસ કરતા મોટર સાઇકલ અંકલેશ્વરની હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે છોટાઉદેપુર પોલીસ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઇડીસી પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબ્જો મેળવી ચોરીની મોટર સાઇકલ પણ રિકવર કરી અન્ય મોટર સાઇકલ ચોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે જીઆઇડીસી પોલીસે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(11:22 pm IST)