Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

નર્મદા જિલ્લામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સાથે બટેટાના ભાવ આસમાને: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે શાકભાજી સહિત ડુંગળી, બટેટાના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

   ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી-બટેટાના ભાવ અતિશય વધતા નર્મદા જિલ્લાના મધ્યમ,ગરીબ પરિવારોને કારમી મોંઘવારીમાં જીવવું મુશ્કેલ બન્યું છે.રાજપીપળાના માર્કેટમાં હાલ જોવા જઈએ તો 20 રૂપિયે કિલો મળતા બટેટા અને ડુંગળીના ભાવ હાલ છૂટક બજારમાં 40 થી 50 રૂપિયે કિલોના બટેટા જ્યારે 60 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે.જ્યારે જ્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગરીબો માટે એકમાત્ર વિકલ્પ એ ડુંગળી-બટેટા હતો પરંતુ હાલ તેના ભાવ પણ ભડકે બળતા ભોજન માંથી જાણે આ બે વસ્તુઓ ગાયબ થવા લાગી છે.જોકે માલેતુજારોને ભાવ ગમે એટલા વધશે તો કોઈ ફર્ક નહિ પડે પરંતુ આ મોંઘવારીની ચક્કીમાં આમ લોકો પીસાઈ રહ્યા છે. માટે સરકાર આ બાબતે સંગ્રહખોરો પર લગામ લગાવે અને ગરીબો તરફ જુએ એ જરૂરી બન્યું છે.

(10:55 pm IST)