Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડોદરાના બાબુ શેખના કંકાલ કેનાલમાંથી મળ્યા

ફતેગંજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હત્યાનો મામલો : સીઆઈડી ક્રાઈમને ગુનાની તપાસમાં મોટી સફળતા મળી

વડોદરા, તા.૨૧ : વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં થયેલી શેખ બાબુની હત્યાના મામલે સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા મળી છે. આ બહુચર્ચીત ગુનાની તપાસ દરમિયાન શેખ બાબુના મૃતદેહને શોધવા માટે વડોદરાના છાણી નજીક પસાર થતી કેનાલના ખાલી કરાવીને ફાયરબ્રિગેડ, નડીયાદ એસઆરપી ૭ની રેસ્ક્યૂ ટીમ સહિત વિવિધ એજન્સીઓના સોથી વધુ વ્યક્તિઓ દ્વારા હાથ ધરેલા મેગા સર્ચ દરમિયાન કંકાલ મળી આવ્યા છે. આ કંકાલ શેખ બાબુના જ છે કે કેમ? તે બાબતની સાયન્ટીફીક રીતે તપાસ આરંભી દીધી છે. કંકાલની એફએસએલમાં પણ મોકલવામાં આવશે. આ કેસ સી.આઇ.ડી પાસે ગયા બાદ ફતેગંજ પોલીસ મથકના તત્કાલીક પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સહિત છ આરોપીઓની સપ્ટેમ્બર મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. છાણી કેનાલમાં લાશની શોધખોળ કરી રહેલી ટીમ દ્વારા  અંડરવોટર કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી. આ તપાસમાં દરમિયાન જ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. હાલ જેલવાસ ભોગવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત છએ વ્યક્તિઓ દ્વારા હજી સુધી મૃતદેહ બાબતે કોઇ જ વિગતો તપાસ અધિકારીને આપી નથી. જો કે, સીઆઇડીની તપાસમાં મૃતક શેખ બાબુની લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાની એક શંકા ઉઠી હતી. જેના આધારે આજે સવારથી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પંચવટી ગેટ નંબર  પાસે માનવ કંકાલના અવશેષો મળ્યા હતા. કંકાલના વશેષો જોવા મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. કંકાલ અવશેષોની જાણ થતાંની સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા. પરંતુ, આ કંકાલના અવશેષો શેખ બાબુના છે, કે નહીં તે બાબતે તપાસ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

ગત તારીખ ૧૦મી  ડીસેમ્બર ૨૦૧૯ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ. ડી.બી. ગોહીલ, પી.એસ.આઇ.  ડી.એમ. રબારી સહીત ચાર એલ.આર.ડી જવાનોએ કઇ રીતે શેખ બાબુને પોલીસ સ્ટેશનમાં લાવ્યાં હતા?  ત્યારબાદ તેને ખુરશી સાથે બાંધી કોણે  કઇ રીતે  કયા હથિયાર વડે માર મારી મોત નિપજાવ્યું હતુ ? શેખ બાબુની લાશને સગેવગે  કઇ  રીતે કરવામાં આવી ?  લાશને સગેવગે કરવા માટે આરોપીઓએ કેટલા અને કયા  વાહનોનો ઉપયોગ કર્યો ?  પોલીસ સ્ટેશનમાંથી શેખ બાબુની લાશને કંઇ રીતે ગાડીમાં અને ક્યાં લઇ જઇ નિકાલ કરવામાં આવ્યો ?  કઇ રીતે પુરાવાનો નાશ કરવામાં આવ્યો ? આવા અનેક સવાલોનો જવાબ શોધવા માટે સીઆઇડીની તપાસ ટીમ કવાયત કરી રહી છે.

(7:30 pm IST)