Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતના સરથાણામાં સંબંધીએ લગ્નમાં પહેરવા લીધેલ 2.50 લાખના દાગીના ગીરવે મૂકી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સરથાણામાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારની પત્ની પાસેથી તેનો સંબંધી અને તેનો પિતરાઈ ભાઈ ગત પોણા બે વર્ષ અગાઉ વતનમાં લગ્નમાં પહેરવા રૂ.2.50 લાખના દાગીના લઈ ગયો હતો. જોકે, તે દાગીના બેન્કમાં ગીરવે મૂકી લોન લીધા બાદ દાગીના પરત આપ્યા વિના સંબંધી વતન ચાલ્યો જતા છેવટે મહિલાએ તેના વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદના વતની અને સુરતમાં સરથાણા રાધે પાર્કની બાજુમાં શિવમ રેસીડેન્સી વિભાગ 1 ઘર નં.બી/404 માં રહેતા રણછોડભાઈ કલ્યાણભાઈ નાવડીયા લેસપટ્ટી બનાવવાનું કારખાનું ધરાવે છે. તે ગત ફેબ્રુઆરી 2019 માં સરથાણા વ્રજચોક વ્રજરત્ન રેસિડન્સી ફ્લેટ નં.એફ/1003 માં રહેતા હતા ત્યારે તેમના પત્ની દિવ્યાબેન ( ઉ.વ.49 ) નો સંબંધી નિરજ રમેશભાઈ ભુવા ( રહે.ઘર.નં.54, ભગવાન નગર, વ્રજચોક, સરથાણા, સુરત. મુળ રહે.સડક પીપળીયા, તા.ગોંડલ, જી.રાજકોટ ) ત્તેના મામાના દીકરા હાર્દિક હિરપરા સાથે ઘરે આવ્યો હતો. નિરજે વતનમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં જવાનું હોય તેમાં પહેરવા દાગીના માંગતા દિવ્યાબેને તેમને કરિયાવરમાં મળેલા રૂ.2.50 લાખની કિંમતના સોનાના દાગીના તેને આપ્યા હતા. ત્યારબાદ દિવ્યાબેનને જાણ થઈ હતી કે નિરજ ભુવાની પત્ની જાગુબેન ગામડેથી આવી ગયા છે. તેથી નિરજને ફોન કરી દાગીના પરત આપી જવા કહેતા નિરજે થોડા દિવસ પછી આવી દાગીના આપી જઈશ તેમ કહ્યું હતું.

(5:59 pm IST)