Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડાનો પંચમ વાર્ષિકોત્સવ ઊજવાયો

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીના વરદ હસ્તે થયું વૃક્ષારોપણ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના પ્રોઢપ્રતાપે પુણ્યવંતી ધરા, ગુણવંતી ગુજરાતનો પૂર્વપ્રદેશ પંચમહાલ જિલ્લામાં આઠ – ૮ આત્યંતિક કલ્યાણ - મોક્ષનાં સદાવ્રતો – સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિરો થયાં. તેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડાનો પંચમ વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલું શનિયાડા ગામ ઐતિહાસિક અને ભૌગોલિક વિરસતતા ધરાવે છે. બે જિલ્લાના ત્રણ તાલુકાઓની હદ પર આવેલું શનિયાડા ગામ વનસંપદાથી ભરપૂર છે. આવા શનિયાડા ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરના પંચમ વાર્ષિક પાટોત્સવની પૂર્વ સંધ્યાએ અહીંના હરિભક્તોએ સજાવેલ મંદિરના પ્રાંગણમાં મનોરમ્ય અને સુશોભિત પુષ્પોથી સજાવટ – બિછાવેલ ચાદર પર, સૌને અમીભરી દ્રષ્ટીએ દર્શન અર્પતા મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પધાર્યા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શન, આરતી કરી હતી.
પંચમ વાર્ષિકોત્સવના શુભ દિને મંગળા આરતીના દર્શન બાદ  સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો પાટોત્સવ વિધિ - ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતીથી કરવામાં આવ્યો હતો. હરિભક્તોએ પણ પરમ ઉલ્લાસભેર આરતીઓ ઉતારવાના અણમોલા લ્હાવા માણ્યા હતા. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ અને શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ પુર્ણાહૂતિ પ્રસંગે યજમાનોએ પૂજન, અર્ચન કરી આરતી ઉતારી હતી.
પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, પૂજનીય સંતોના પ્રવચનો વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.
 ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વૃક્ષોનું વિશેષ મહત્વ બતાવ્યું છે. પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષો પ્રત્યે આપણી સામાજિક જવાબદારી વધે તેમજ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે તદર્થે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન રાખી અને સંતો હરિભક્તો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

(5:23 pm IST)