Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતમાં લોકડાઉન દરમિયાન પોલીસ ઉપર ક્રેન કૌભાંડ આચર્યાનો આરોપઃ ગેરકાયદેસર 93 લાખ રૂપિયા એજન્‍સીને ચુકવાયાનો દાવો

સુરતઃ સુરતમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર ક્રેન કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે ગેરકાયદેસર રીતે 93 લાખ રુપિયા એજન્સીને ચુકવાયાનો દાવો કરવામાં આવ્યો છે.

લોકડાઉન દરમિયાન સુરતમાં કૌભાંડો થયા હોવાની હકિકતો સામે આવી છે, મહાનગરપાલિકામાં ખીચડી અને પતરા કૌભાંડ બાદ હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ ક્રેઈન કૌભાંડ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટે ટ્રાફિક વિભાગ અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી માહિતી મેળવી 93 લાખ રૂપિયા ખોટી રીતે મેળવ્યા હોવાનો દાવો કર્યો છે. નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક IPSપ્રશાંત સુંબે , મદદનીશ પોલીસ કમિશનર GPS એપી ચૌહાણ અને કોન્ટ્રકટર અગ્રવાલ એજન્સી સામે આ આરોપ લગાવવામાં આવ્યા છે.

આરટીઆઈ એક્ટીવીસ્ટ સંજય ઈઝાવાનું કહેવું છે કે સુરત શહેરના જાહેર રસ્તાઓમાં અડચણ રૂપ પાર્ક કરેલા વાહનો દુર કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ ક્રેનનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે. અગ્રવાલ એજન્સીને 21 ડિસેમ્બર 2019થી વર્ક ઓર્ડર આપીને કામગીરી શરૂ કરાવી હતી.

અગ્રવાલ અજેન્સીએ ટેન્ડરની ઘણી શરતોના ઉલ્લંઘન કર્યુ છે. આ અંગે પત્ર પાઠવીને ફરીયાદ કરવામાં આવેલી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી સક્ષમ સત્તા દ્વારા કરવામાં આવેલી નથી. અગાઉ પણ વર્ષ 2018-19માં વાહનો ટોઇંગ કરવાનું કામ અગ્રવાલ એજન્સીને આપવામાં આવેલું હતું.

મોટર વેહિકલ એક્ટના ભંગ

મોટર વેહિકલ એક્ટના ભંગ કરીને ટોઇંગ વાહનના ત્રણે બાજુ ટુ વ્હીલ લટકાવવાની પધ્ધતી બંધ કરાવવા માટે સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા મારફતે લીગલ નોટીસ પાઠવીને કાયદેસર કાર્યવાહીની માંગણી કરેલ હતી.

ત્યાર પછી પણ માનીતી એજન્સીને ટોઇંગ કરવા માટેના ટેન્ડર આપવાની પધ્ધતીની વિરુદ્ધમાં નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં જઈને આ અંગેની સૂચના લાવ્યા પછી વર્ષ2020 માટે ઓનલાઈન ટેન્ડર મંગાવીને અગ્રવાલ એજન્સીને વાહનો ટોઇંગ કરવાના કામ સોપવામાં આવેલ હતા.

લોકડાઉન દરમિયાન પણ અલગ અલગ બહાના હેઠળ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લાખોના પેમેન્ટ અગ્રવાલ એજન્સીને ચૂકવામાં આવેલા છે. જે અંગે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલી માહિતીમાં ચોકાવનારી માહિતી બહાર આવી છે.

FIR  નોંધી તપાસ કરવાની માગ

આ ભ્રષ્ટાચાર અંગે પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય પોલીસ, પોલીસ કમિશનર સુરત શહેર પોલીસ, ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય, અધિક મુખ્ય સચિવ, ગૃહવિભાગ, ગુજરાત રાજ્યલોકાયુક્ત ગુજરાત રાજ્ય, વિજીલન્સ કમિશનર ગુજરાત રાજ્ય, ડીરેક્ટર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય અને મદદનીશ ડીરેક્ટર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, સુરતને ફરિયાદ કરીને દિન ૩ માં FIR નોંધીને તપાસ હાથ ધરાવવાની માંગણી કરી છે.

(5:20 pm IST)