Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૪૮ કલાક બાદ ચોમાસાને બાય... બાય...: એન.ડી. ઉકાણી

શનિવારથી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ, દિવસ અને રાત્રીના તાપમાનમાં પણ તફાવત જોવા મળશેઃ આવતા ૨૦ દિવસમાં ઠંડીની અસર વર્તાવા લાગશે : હવામાન ખાતાના પૂર્વ અધિકારીનો નિર્દેશ

રાજકોટઃ છેલ્લા બે- ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના કોઈ- કોઈ ભાગોમાં છુટોછવાયો વરસી જાય છે. હવે બે દિવસ બાદ ચોમાસુ વિદાય લેશે. ત્યારબાદ દિવસ અને રાત્રીના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. આવતા મહિનાના મધ્યભાગમાં ઠંડીની અસર વર્તાવા લાગશે. તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી. ઉકાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે આજે અને આવતીકાલે બપોર બાદ કોઈ- કોઈ જગ્યાએ ગાજવીજ સાથે હળવા- ભારે ઝાપટા વરસી જાય. બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ હવે નબળી પડી પસાર થઈ ગઈ છે. ત્યારબાદ વાતાવર ચોખ્ખુ બનશે. ૪૮ કલાક બાદ ચોમાસાની ગતિવિધી પૂર્ણ થઈ જશે.

હવાનું હળવું દબાણ પણ ઉંચુ જવા લાગશે. ૧૦૧૦ મીલીબારે પહોંચી જશે. શનિવારથી દિવસ અને રાત્રીના તાપમાનમાં તફાવત જોવા મળશે. સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. આવતા વિસેક દિવસમાં આવું જ વાતાવરણ જોવા મળશે. ત્યારબાદ વ્હેલી સવારે અને મોડીરાત્રીના સમયે ઠંડીની અસર વર્તાવા લાગશે.

આમ, હવે આગામી દિવસોમાં ચોમાસુ વિદાય લેશે અને આવતા મહિને એટલે કે દિવાળી બાદ ઠંડીનો દોર શરૂ થાય તેવી શકયતા છે.

(3:57 pm IST)