Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બનાસકાંઠા કિશોરીની હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે આરોપીને કડકમાં કડક સજા અપાશે : પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે પરેડ યોજાઈ : ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદ : ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતા હેઠળ પરેડ યોજાઈ હતી. જેમાં 21 ઓક્ટોબરનાં રોજ પોલીસ શહાદત દિવસની યાદમાં આ પરેડ યોજાઈ હતી. આ પરેડમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓનું સન્માન યોજાયું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં બનાસકાંઠામાં થયેલી મૂકબધિર કિશોરીની હત્યા વિશે કહ્યું હતું કે, “આ મામલે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. રાજ્ય સરકાર આ મામલે સ્પેશિયલ પીપીની પણ નિમણૂંક કરશે.

 તાજેતરમાં જ ડીસામાં એક મૂકબધિર કિશોરીની તેના પિતરાઈ ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પિતરાઈ ભાઈએ અત્યંત નિર્દયતાથી મૂકબધિર કિશોરીની હત્યા કરી હતી. તેનાં ધડથી માથું અલગ કરીને ઝાડીમાં ફેંકી દેવાઇ હતી. ત્યારે આ મામલે ગૃહારાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “બળાત્કારની ઘટનામાં હવે સરકાર કંઈ પણ ચલાવવા માંગતી નથી. આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. બળાત્કારની ઘટના મામલે દર 15 દિવસે પોલીસે લીધેલા પગલાં બાબતે રિવ્યુ કરવામાં આવે છે. બળાત્કારના કેસમાં નરાધમોને ફાંસીની સજા અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે.”

 અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં મૂકબધિર સગીરાની હત્યા મામલે ડીસાના MLA શશીકાંત પંડ્યાની આગેવાનીમાં ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી તેમજ તમામે પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક પણ યોજી હતી. નોંધનીય છે કે, ડીસાના અગ્રણી નાગરિકોએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરી હતી. ઉપરાંત સ્પેશિયલ વકીલ આપવાની પણ માંગ કરાઈ હતી તેમજ તપાસ અર્થે સ્પેશિયલ ટીમની રચનાની પણ માંગ કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ તેઓની તમામ માંગ સ્વીકારી હતી અને આરોપીને કડકમાં કડક સજા આપવાની ખાતરી પણ તેમણે આપી હતી

(1:30 pm IST)